અમદાવાદમાં મિત્રએ જ મિત્રનું અપહરણ કરીને હત્યા કરી, લાશ છુપાવીને પુરાવાનો નાશ કર્યો

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (13:33 IST)
અમદાવાદમાં સામાન્ય બાબતમાં હત્યાના ગુનાઓ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યાં છે. શહેરમાં એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં મિત્રએ જ પોતાના મિત્રનુ કોઈ કારણોસર અપહરણ કરીને તેને મારી નાંખી લાશ છુપાવીને પુરાવાનો નાશ કરીને હકિકત આજદિન સુધી છુપાવી રાખી હતી. તેનો પર્દાફાશ સીસીટીવી કેમેરામાં થતાં જ મૃતક યુવકના પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંદખેડામાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર ભરતસિંહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની રાજસ્થાન લગ્નપ્રસંગે હાજરી આપવા ગયાં હતાં. ત્યાંથી તેમણે તેમના દીકરા દિપસિંહને ફોન કરતાં તેનો ફોન સતત બંધ આવતો હતો. ત્યાર બાદ તેમણે તેમના પિતાને ફોન કરતાં તેમના પિતાએ જણાવ્યું હતું કે, તે મોટરસાયકલ લઈને બહાર ગયો છે. તેનું મોટરસાયકલ ભરતસિંહના નાના ભાઈને ચાંદખેડામાંથી મળ્યું હતું. ત્યાર બાદ દીપસિંહની તપાસ કરતાં તે મળ્યો નહોતો. ત્યાર બાદ સગાસંબંધીઓ તરફથી પણ કોઈ જાણકારી પ્રાપ્ત નહીં થતાં તેમણે દીકરો ગુમ થયાની ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. 
 
પોલીસની તપાસ ચાલુ હતી અને પરિવારને તેમનો દીકરો તેના મિત્રો સાથે રોયલ કેફેમાં નાશ્તો કરીને છુટા થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. તેમણે દીકરા અંગે તેના મિત્ર મુકેશસિંહને પુછતાં તેણે જણાવ્યું હતું કે, મને દીપસિંહ છેલ્લે 26મી જાન્યુઆરીએ મળ્યો હતો ત્યાર બાદ તેનો કોઈ સંપર્ક થયો નથી. આ મુકેશસિંહ પર ભરતસિંહ સાથે દીપસિંહની શોધખોળમાં આવતો અને પોલીસ સ્ટેશનમાં પણ જતો હતો. 
 
આ તપાસ દરમિયાન પોલીસની તપાસમાં સીસીટીવી ફૂટેજમાં 29 જાન્યુઆરીએ દીપસિંહ મુકેશસિંહના એક્ટિવા પર જતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ મુકેશસિંહ એ રસ્તેથી એકલો તેના એક્ટિવા પર જતો દેખાય છે. મુકેશસિંહ દીપસિંહના બનાવ વિશે જાણતો હોવા છતાં તેણે હકિકત છુપાવીને રાખી હતી. દીપસિંહના પિતાએ પોલીસમાં ફરિયાદ આપતાં કહ્યું હતું કે, મારા દીકરાને મારી નાંખવાના ઈરાદે એક્ટિવા પર બેસાડીને મુકેશસિંહે નર્મદાની કેનાલમાં ધક્કો મારી દીધો છે. અથવા તો તેને મારી નાંખ્યો છે. તેણે પુરાવાનો નાશ કર્યો છે હકિકત જાણતો હોવા છતાં તેણે છુપાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર