એરપોર્ટ પર 37696 મુસાફરો પૈકી 31688 સ્થાનિક જ્યારે 6008 આંતરરાષ્ટ્રીય હતા
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવરને લઈને વધુ એક રેકોર્ડ સર્જાયો છે. 12મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ પર સૌથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. એકજ દિવસમાં 267 ફ્લાઈટ સાથે 37696 મુસાફરોએ મુસાફરી કરી છે.
બે નવા બોર્ડિંગ ગેટ શરૂ કરીને ક્ષમતા વધારાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ગુડનેસ ડેસ્ક, ડાયનેમિક ક્યુ મેનેજમેન્ટ અને ફ્લોર વૉકિંગ કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ્સ જેવી સુવિધાઓના કારણે મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં સીમલેસ મુસાફરી કરી શકે છે. ટર્મિનલ ગેટથી ઝડપી પ્રવેશવા માટે ડિજિટલ બારકોડ સ્કેનર્સ મૂકાયા છે. તે ઉપરાંત વિશાળ અરાઇવલ હોલ, અપગ્રેડ Z ચેક-ઇન સિસ્ટમ, SHA પૂર્વેનો વિસ્તાર, એક્સ-રે મશીનોમાં વધારો અને સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉમેરવામાં આવ્યા છે. ડોમેસ્ટિક ટર્મિનલની વાત કરીએ તો ત્યાં બે નવા બોર્ડિંગ ગેટ શરૂ કરીને ક્ષમતા વધારાઈ છે.
દુબઈ, કુવૈત અને અબુ ધાબીની સૌથી વધુ મુસાફરી
અમદાવાદ એરપોર્ટ પર શિડ્યુલ્ડ અને નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સમાં અવરજવર કરનાર 37696 મુસાફરો પૈકી 31688 સ્થાનિક જ્યારે 6008 આંતરરાષ્ટ્રીય હતા. અમદાવાદથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ જનારાઓમાં દુબઈ, કુવૈત અને અબુ ધાબીનો સામાવેશ થાય છે. તે ઉપરાંત દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ ટોચના ત્રણ સ્થાનિક સ્થળો છે. એરપોર્ટ પર 33 સ્થાનિક અને 15 આંતરરાષ્ટ્રીય સ્થળોના નેટલર્ક સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ફૂટપ્રિન્ટમાં સુધારો-વધારો કરવાનું ચાલુ રાખવામાં આવશે.