ગુજરાતમાં સગીર બાળકીઓ સાથેના ગુનામાં દિવસો દિવસ વધારો થતો જઈ રહ્યો છે. આવા વધુ એક કેસમાં આમોદ તાલુકાના સરભાણ ગામની એક 13 વર્ષની બાળકી સીમમાં લાકડાં વિણવા ગયાં બાદથી ગુમ થઇ હતી. તેની શોધખોળ કરતાં તેઓ અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આમોદ પોલીસે બાળકીના મૃતદેહનું તબીબોની પેનલ થકી પોસ્ટમોર્ટમ કરાવવાની કવાયત હાથ ધરી છે.
આમોદ તાલુકામાં આવેલાં સરભાણ ગામે રહેતી 13 વર્ષની એક બાળકી તેની દાદી સાથે ગઇકાલે સાંજના સમયે સીમમાં લાકડાં વિણવા ગઇ હતી. જ્યાંથી તે પરત આવ્યાં બાદ પાછી લાકડા લેવા ગયાં બાદથી ગુમ થઇ હતી. બાળકીના સગડ નહીં મળતાં પરિવારજનો ચિંતાતૂર બન્યાં હતાં. પરિવારે અને આસપાસમાં રહેતાં લોકોએ તેને શોધવાની કવાયત હાથ ધરતાં આખરે કપાસના એક ખેતરમાંથી અર્ધનગ્ન હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે આમોદ પોલીસને જાણ કરતાં ટીમે દોડી આવી બનાવ અંગે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકીના મૃતદેહનું તબીબોની પેનલ થકી પોસ્ટમોર્ટમ કરવાવા માટે તેને સૂરત ખસેડવામાં આવ્યો હતો.