રાજકોટમાં 16 વર્ષના સગીરે 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું, 3 માસનો ગર્ભ નીકળ્યો

બુધવાર, 22 નવેમ્બર 2023 (18:10 IST)
રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારના શીતળાધાર પાસે ઈંટોના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા બિહારી શ્રમિક પરિવારની 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મ આચરી આરોપીએ સગીરાને 3 માસનો ગર્ભ રાખી દીધો હોવાનું જાણવા મળતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

હાલ બનાવ અંગે આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આરોપી પણ 16 વર્ષનો સગીર હોવાનું સામે આવ્યું છે. શીતળાધાર વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા પાસે રહેતા બિહારી શ્રમિક પરિવારની 11 વર્ષની દીકરીને આજે વહેલી સવારે 4.30 વાગ્યે પેટમાં દુખાવો ઊપડતા પરિવારે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. અહીં સગીરાને જનાના વિભાગમાં ડોક્ટરની તપાસમાં 3 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે આજી ડેમ પોલીસને જાણ કરવામાં આવતા આજી ડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકીની પ્રાથમિક પૂછપરછ કરતા તેના ઘરથી નજીકના વિસ્તારમાં રહેતા 16 વર્ષના સગીરે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી આજી ડેમ પોલીસ સ્ટાફ પરમારે તત્કાલ આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.બાળકીને રાત્રે પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. સવાર પડતાં સુધીમાં જ દુખાવો વધતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બાળકીનો પરિવાર અને આરોપી સગીરનો પરિવાર બિહારના રહેવાસી છે અને રાજકોટમાં મજૂરી કામ કરે છે. નજીક નજીકમાં રહેતા હોવાથી આરોપી સગીરે સગીરાનો એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કર્યુ હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર