જો કોઈ બેટ્સમેનની શ્રેષ્ઠતા માટે તેની બેટીંગ સરેરાશને જ માપદંડ ગણવામાં આવે તો સર ડોનાલ્ડ બ્રેડમેન ચોક્કસપણે વિશ્વના બધા જ બેટ્સમેનોને પાછળ છોડી નાંખે તેમાં કોઈ બેમત ન હોઈ શકે.
વીસમી સદીના મહાનતમ ખેલાડી એવા સર ડોનાલ્ડ બ્રેડમેનની કેરીયર એવરેજ 99.94નો રેકોર્ડ આજેય અકબંધ છે. 20મી સદીના અંતે અને 21મી સદીની શરૂઆતમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા અને રીકી પોન્ટીંન્ગ જેવા ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓએ આંખે ઊડીને વળગે તેવો નોંધપાત્ર દેખાવ કર્યો. પરંતુ તે બધામાંથી કોઈપણ ખેલાડી ટેસ્ટમેચોમાં બ્રેડમેનની એવરેજની આસપાસ પણ ન ફરકી શક્યો.
1930 અને 1940ના દાયકામાં સર ડોન બ્રેડમેને ક્રિકેટ જગત પર એકચક્રી શાસન કર્યુ. 1930માં તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સાત ટેસ્ટની સિરીઝમાં હેડિંગ્લે ખાતે ત્રેવડી સદીની મદદથી કુલ 974 રન કર્યા. બ્રેડમેનની બેટીંગથી હેરાન પરેશાન ઈંગ્લેન્ડે 1932-33માં ઓસ્ટ્રેલીયા વિરૂદ્ધની ટેસ્ટ સિરીઝમાં બ્રેડમેનને નાથવા બોડીલાઈન બોલીંગનું ઘાતક હથિયાર અપનાવ્યું. ઈંગ્લેન્ડ તેના સહારે ટેસ્ટ સિરીઝ જીતવામાં તો સફળ રહ્યું. પરંતુ બ્રેડમેનના બેટને બ્રેક ન લગાવી શક્યું. બ્રેડમેન જીવલેણ બોલીંગનો સામનો કરતા 56ની એવરેઝથી સિરીઝમાં રન બનાવ્યા.
કુલ મળીને તેઓ 80 ટેસ્ટમેચ રમ્યા અને 29 સદી ફટકારી. તે સમયે તેઓ સદીઓની બાબતે વિશ્વ રેકોર્ડ ધરાવતા હતા. ઓવલ ખાતે તેમની અંતિમ ટેસ્ટ ઈનીંગમાં ટેસ્ટ કારકિર્દીમાં 100 રનની સરેરાશના જાદુઈ આંકડાને સ્પર્શવા તેમણે માત્ર 4 રન કરવાના હતા. પરંતુ જે બેટ્સમેન હંમેશા બોલરો પર ભારે પડતો. તે બેટ્સમેન તેની અંતિમ ટેસ્ટ ઈનીંગમાં ઈંગ્લેન્ડના એરીક હોલીસની ગૂગલીને પારખવામાં નિષ્ફળ નીવડ્યો અને ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો અને 100 રનની સરેરાશથી માત્ર 0.06 રન છેટે રહ્યો.
જો કે સર ડોન બ્રેડમેને ખેલદિલીની ભાવના બતાવી તેમની અંતિમ મેચના વ્યક્તિગત સ્કોરને સ્વીકારી લઈને ક્રિકેટ કારકિર્દી સમેટી લીધી. કદાચ તેઓ વધુ એક-બે ટેસ્ટ રમ્યા હોત તો નિશ્વીતપણે 100ની સરેરાશને સ્પર્શી લીધી હોત. પરંતુ તેઓ તેમના નિવૃત્તિના નિર્ણયને વળગી રહ્યા અને તેમણે 100 રનની સરેરાશનો જરાય મોહ ન રાખ્યો.
તે સમયના દરેક બોલર માટે બ્રેડમેનની વિકેટ એ કદાચ તેની કારકિર્દીની સૌથી બહુમૂલ્ય વિકેટ હતી. બોલરો બ્રેડમેનને આઉટ કરવા માટે તરસતા. ક્લેરી ગ્રીમેટ અને હેડલી વેર્ટીટી આ બે બોલરોને બાદ કરતા તે સમયના મોટભાગના બોલરો બ્રેડમેન વિરૂદ્ધ નીસહાય જણાતા. ગ્રીમેટ અને વેર્ટીટી આ બંને બોલરોએ બ્રેડમેનને 10-10 વખત આઉટ કરવાની અનન્ય કહી શકાય એવી સિદ્ધી મેળવી હતી.
27 ઓગસ્ટ 1908ના રોજ જન્મેલા બ્રેડમેને 1930માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ હેંડીગ્લે ટેસ્ટના પહેલા જ દિવસે નોટઆઉટ રહીને 309 રન ઝૂડી નાંખ્યા. બ્રેડમેનની તે યાદગાર ઈનીંગને લગભગ સાડા સાત દાયકાથી વધુનો સમય વિતી ચૂક્યો છે. પરંતુ અત્યાર સુધી કોઈપણ બેટ્સમેન એક દિવસમાં 309 રન કરવાની સિદ્ધી મેળવી શક્યો નથી.
30 નવેમ્બર 1928ના રોજ બ્રિસ્બન ખાતે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ પદાર્પણ કરનાર બ્રેડમેન તેમની 20 વર્ષ લાંબી ટેસ્ટ કારકિર્દીની અંતિમ મેચ 14 ઓગસ્ટ 1948ના રોડ ઓવલ ખાતે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમ્યા. 1931માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મેળવનાર બ્રેડમેનને 1996માં ઓસ્ટ્રેલીયન ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા.
2000ની સાલમાં તેમનો સમાવેશ 20મી સદીના શ્રેષ્ઠ ક્રિકેટરોમાં કરવામાં આવ્યો. 25 ફેબ્રઆરી 2001ના રોજ એડીલેઈડ ખાતે સર ડોન બ્રેડમેનનું 92 વર્ષની પીઢ વયે મૃત્યુ થયું. જો કે આજેય તેઓ ક્રિકેટ રસિયાઓના દિલોદિમાગમાં જીવીત છે.