સાઉથ આફ્રિકાના ઓપનરોનો વિશ્વ વિક્રમ

શનિવાર, 1 માર્ચ 2008 (14:55 IST)
ઢાકા (એજંસી) બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં પહેલી વિકેટની ભાગીદારીમાં સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મીથ અને નીલ મેકકેન્ઝી એ 415 રનની ભાગીદારીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગેમ સ્મીથ અને નીલ મેકકેન્ઝીએ 52 વર્ષ જૂનાં ન્યુઝીલેન્ડ સામેના વિનુ માંકડ અને પંકજ રોયનાં 413 રનનાં રેકોર્ડને તોડ્યો છે.

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે જ પહેલી વિકેટની ભાગીદારીમાં 415 રન ફટકારીને સાઉથ આફ્રિકાએ મેચ પર પકડ બનાવી લીધી છે. સાઉથ આફ્રિકાના કપ્તાન સ્મીથે 232 રન કરી શાનદાર રમત દાખવી હતી. બાદમાં રઝાકે તેને આઉટ કર્યો હતો. ટેસ્ટ કેરિઅરમાં સ્મીથની આ ચોથી બેવડી સદી છે.

આ પહેલા 2003માં કેપ ટાઉન ખાતેની પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં સ્મીથ અને હર્ષલ ગીબ્બસે પહેલી વિકેટની ભાગીદારીમાં 368 રન ફટકાર્યા હતા. ઢાકામાં પહેલી ટેસ્ટ મેચ પાંચ વિકેટે જીત્યા બાદ સાઉથ આફ્રિકા શ્રેણીમાં 1 : 0 થી આગળ છે. ટેસ્ટ સીરીઝ બાદ સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ સાથે ત્રણ વન ડે મેચ રમશે, પહેલી વન ડે 9 માર્ચે અને બાકીની બન્ને વન ડે મેચ ઢાકામાં 12 અને 14 માર્ચે રમાશે.

વેબદુનિયા પર વાંચો