ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને હેડ કોચ રાહુલ દ્રવિડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બેંગલુરુમાં એક પિકઅપ ઓટો ડ્રાઈવર સાથે દલીલ કરતો જોવા મળે છે, જ્યારે તેની કાર તેના ઓટો સાથે અથડાઈ હતી. દ્રવિડ તેના શાંત સ્વભાવ માટે જાણીતા છે અને ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ ગુસ્સે થતા જોવા મળે છે. જોકે, હવે આ વીડિયો સામે આવ્યા પછી, તે ચોક્કસપણે બધા ચાહકો માટે થોડું આઘાતજનક છે. જ્યારે રાહુલ દ્રવિડ પોતાની કારમાં ડેન્ટ ચેક કરી રહ્યા હતા, ત્યારે તેમનો પિકઅપ ડ્રાઈવર સાથે ઝઘડો થયો જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
મને બધુ ખબર છે.. મે જોયુ કે આગળવાળી કાર કેટલી દૂર હતી
બેંગલુરુમાં 4 ફેબ્રુઆરીના રોજ રાહુલ દ્રવિડ પોતાની કાર દ્વારા કનિંઘમ રોડથી જઈ રહ્યા હતા. જેમા અચાનક તેમની કારની આગળ ચાલી રહેલી પિકઅપ વાહને બ્રેક લગાવી જેનાથી એ ગાડી સાથે દ્રવિડની કારની ટક્કર થઈ ગઈ. જોકે આ ઘટનાને કારણે કોઈ મોટું નુકસાન થયું ન હતું, પરંતુ એક સામાન્ય માણસની જેમ દ્રવિડે પહેલા તેની કાર લાગેલા ડેન્ટની તપાસ કરી અને પછી તે અંગે પિકઅપ ડ્રાઇવર સાથે દલીલ કરી. આ ઘટના સાંજે 6:30 વાગ્યાની આસપાસ બની હતી અને ત્યાં હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં, ડ્રાઈવર દ્રવિડને કહેતો જોવા મળે છે કે તેની આગળની એક કારે અચાનક બ્રેક લગાવી, જેના કારણે તેણે પણ બ્રેક લગાવવી પડી. ડ્રાઈવરને જવાબ આપતાં દ્રવિડે કહ્યું કે મને બધું ખબર છે, મેં જોયું કે આગળ કાર કેટલી દૂર હતી અને છતાં તમે અચાનક બ્રેક લગાવી દીધી. રાહુલ દ્રવિડે આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. તમને જણાવી દઈએ કે દ્રવિડ બેંગલુરુ ટ્રાફિક પોલીસના રોડ સેફ્ટી એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે.