કોહલીના ટ્વીટ પછી લોકો કેમ તેમની 'રીટાયર્ડ' ની વાતો કરવા લાગ્યા?

શનિવાર, 26 નવેમ્બર 2022 (21:02 IST)
ક્રિકેટર વિરાટ કોહલીએ એક તસવીર ટ્વીટ કરી છે, જેના પછી અટકળોનું બજાર ગરમાયુ છે કે વિરાટ કોહલી ખરેખર સંન્યાસ લેવાના છે. વિરાટ કોહલી હાલમાં બ્રેક પર છે અને આ દરમિયાન તેમણે ટી20 વર્લ્ડકપમાં મેલબૉર્નમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચની તસવીર ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એ તસવીરમાં તે બેટ લઈને ઊભા છે.

 
કોહલીએ આ તસવીર સાથે લખ્યું, “23 ઑક્ટોબર, 2022 મારા દિલમાં હંમેશા ખાસ દિવસ રહેશે. મેં આ પહેલા ક્યારેય કોઈ મૅચમાં આવી ઊર્જા અનુભવી નથી. કેટલી અદ્ભુત સાંજ હતી એ."
 
મેલબૉર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એ ભારે રોમાંચક મૅચમાં વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાને ભારતને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને આ મૅચનો રોમાંચ છેલ્લા બૉલ સુધી જળવાયો હતો. કોહલીએ ભારત માટે અશક્ય લાગતી જીતને શક્ય બનાવી હતી.
 
મૅચમાં એક તબક્કે જીતવા માટે 8 બોલમાં 28 રનની જરૂર હતી અને ભારતની જીતની સંભાવના સાવ ઓછી જણાતી હતી, પરંતુ કોહલીની અણનમ ઇનિંગે ભારતને પાકિસ્તાન સામે વિજય અપાવ્યો હતો.
 
વિરાટ કોહલીના આ ટ્વીટ બાદ ઘણા ક્રિકેટ ચાહકોને આશંકા છે કે તેમણે નિવૃત્તિનો સંકેત આપ્યો છે?
 
ટ્વિટર પર એક યૂઝરે લખ્યું, “ભાઈ, આવા ફોટો મૂકીને ન લખો. હૃદયના ધબકારા વધી જાય છે. શું નિવૃત્તિની જાહેરાત તો નથી કરી દીધીને?”
 
સોની નામના યૂઝરે લખ્યું, "પહેલા તો મને લાગ્યું કે ખતરનાક 'આર' શબ્દ આવી રહ્યો છે."

 
કૉફી બુક્સ નામના યૂઝરે ટ્વિટર પર લખ્યું, "સારી તસવીરો મુકવાનું રાખો, સવાર સવારમાં હાર્ટ-એટૅક આવી જાય છે."
 
કોહલી ઉપરાંત રોહિત શર્મા, કેએલ રાહુલ, આર. અશ્વિન, મોહમ્મદ શમી અને દિનેશ કાર્તિક પણ બ્રેક પર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર