કોરોના વાઇરસ LIVE : ભારતમાં કોવિડ-19ને કારણે બીજું મૃત્યુ, યુરોપિયનો પર અમેરિકાના પ્રવાસ નિષેધનો અમલ શરૂ

શનિવાર, 14 માર્ચ 2020 (15:44 IST)
કોરોના વાઇરસ કોવિડ-19ને કારણે ભારતના કર્ણાટક બાદ શુક્રવારે દિલ્હીમાં વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે, જેથી મરણાંક બે થયો છે. ન્યૂઝ એજન્સી પી. ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા) દિલ્હી સરકાર તથા આરોગ્ય વિભાગના હવાલાથી જણાવે છે કે મૃતકને કોવિડ 19નો ચેપ લાગેલો હતો. 68 વર્ષીય મહિલાને હાઇપર ટૅન્શન અન્ય બીમારીઓ પણ હતી. મહિલા તથા તેમના દીકરા તા. 5મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી દરમિયાન વિદેશ પ્રવાસે ગયાં હતાં. તેઓ ઇટાલી અને સ્વિટ્ઝરલૅન્ડ થઈને તા.23મી ફેબ્રુઆરીએ ભારત પરત ફર્યા હતા. આ પહેલાં કર્ણાટકમાં કલબુર્ગીમાં રહેતી 76 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પરત ફરી હતી. 
 
 અમેરિકા દ્વારા યુરોપના 26 દેશો ઉપર લાદવામાં આવેલો પ્રવાસ નિષેધનો અમલ શરૂ થઈ ગયો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે અમેરિકાએ આ પગલું લીધું છે. જોકે, બ્રિટન યૂ.કે. તથા આયર્લૅન્ડથી આવતાં પ્રવાસીઓ પર અમેરિકાએ કોઈ પ્રતિબંધ નથી લાદ્યો. અમેરિકામાં કોરોનાને કારણે 43 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે લગભગ 2000 કન્ફર્મ કેસ નોંધાયા છે.
 
બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને નેશનલ ઇમર્જન્સી જાહેર કરી છે, જેના પગલે સરકાર હવે 50 અબજ ડૉલરના રાહતકાર્ય હાથ ધરી શકશે.ટ્રમ્પે નાગરિકોને સફાઈ ઉપર ધ્યાન રાખવાની, બિનજરૂરી પ્રવાસ નહીં ખેડવાની તથા મોટી સંખ્યામાં એકત્ર નહીં થવાની અપીલ કરી છે
 
- કેન્દ્રીય ગૃહમંત્રાલયની ભલામણના આધારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દોડતી રેલ તથા બસસેવાને 15મી એપ્રિલ સુધી માટે બંધ કરી દેવામાં આવી છે.
- કેન્દ્ર સરકારે સેનિટાઇઝર તથા માસ્કને આવશ્યક ચીજવસ્તુ જાહેર કરી, જેના કારણે તેની સંગ્રાહકોરી અને નફાખોરી ગુનાહિત અપરાધ બની રહેશે.
 - ભારતમાં કોરોનાને કારણે બીજી વ્યક્તિનું મૃત્યુ થયું છે. કર્ણાટકના કલબુર્ગી બાદ દિલ્હીમાં મૃત્યુનો કેસ નોંધાયો હતો.
-  BCCIએ કોરાના વાઇરસના જોખમને જોતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ને 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સિરીઝમાં વિદેશી ખેલાડીઓના ભાગ લેવા ઉપર પણ જોખમ ઊભું થયું હતું.
- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીને રદ કરી દેવાઈ છે. બીસીસીઆઈએ લખનૌ અને કોલકતામાં રમાનારી બાકીની બે મૅચને રદ કરવાની જાહેરાત કરી છે.
- ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કોરોના મામલે બેઠક યોજી હતી. તો બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથે પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
- ઓડિશામાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ (જ્યાં પરીક્ષા હોય એ સિવાયની) 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ અપાય છે. તેમજ સિનેમાહૉલ, સ્વિમિંગ-પૂલ અને જીમ પણ 31 માર્ચ સુધી બંધ રહેશે.
- બિહારમાં 31 માર્ચ સુધી શાળાઓ, કૉલેજો, પ્રાણીસંગ્રહાલયો તેમજ બગીચાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે. આ વખતે બિહારદિનનું આયોજન પણ રદ કરી દેવાયું છે.
- અધિકારીઓને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં આગામી આદેશ ન આવે ત્યાં સુધી તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દેવાઈ છે. પંજાબમાં પણ તમામ શાળાઓ બંધ કરી દેવાઈ છે.
- કર્ણાટકમાં તમામ મૉલ, સિનેમાહૉલ, પબ અને નાઇટ ક્લબોને બંધ કરી દેવાયાં છે. રાજ્યમાં તમામ તબીબોની રજાઓ રદ કરી દેવાઈ છે.
છત્તીસગઢમાં પણ સરકારે શહેરી વિસ્તારોમાં આવેલાં, જીમ, પાર્ક, સ્વીમિંગ પૂલ, જાહેર લાઇબ્રેરી તેમજ આંગણવાડી-કેન્દ્રોને 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે.
- ઑસ્ટ્રેલિયાના ગૃહમંત્રી પીટર ડટનને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. તેમને હૉસ્પિટલમાં ભરતી કરાયા છે.
- કોરોના વાઇરસના ખતરાને પગલે અમેરિકાના રક્ષામંત્રી માર્ક ઍસ્પરે તેમની 15-16 માર્ચની ભારતની યાત્રા રદ કરી દીધી છે.
- ભારતે 15 એપ્રિલ, 2020 સુધી તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. જેથી કોઈ પણ ભારત નહીં આવી શકે. તેમાં ખાસ પ્રકારના વિઝામાં કેટલીક છૂટછાટ અપાઈ છે.
 ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ રિસર્ચે ગુરુવારે કહ્યું છે કે કોવિડ-19 કોરોના વાઇરસની રસી શોધતા લગભગ દોઢ વર્ષ લાગી શકે છે.
- ગરમી વધવાથી વાઇરસની અસર ઘટશે એ અંગે પણ આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, હાલ કોરોના વાઇરસ પર અભ્યાસ ચાલી રહ્યો છે અને હાલ તાપમાન વધવાથી વાઇરસ પર શું અસર પડશે એ કહી શકાય એમ નથી.
 ઝી ગ્રૂપે ઍવૉર્ડ સમારંભ આયોજિત નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ટિકિટ લેનાર દર્શકોને રિફંડ અપાશે તથા તેને ટેલિવિઝન ઇવેન્ટની જેમ પ્રસારિત કરાશે.
- કોરોના વાઇરસને પગલે દિલ્હીમાં તમામ સિનેમા બંધ કરવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પરીક્ષા હોય એ સિવાયની તમામ શાળા-કૉલેજો પણ 31 માર્ચ સુધી બંધ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર