અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી ગાયબ થઈઃ રણોત્સવના પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો

શનિવાર, 14 માર્ચ 2020 (14:37 IST)
'કચ્છ કા યહ રણ હિન્દુસ્તાન કો તોરણ હૈ...' જેવા રૂપકડાં શબ્દો સાથેની જાહેરખબર સાથે થોડા વર્ષ અગાઉ કચ્છના સફેદ રણને પ્રવાસન્ સ્થળ તરીકે વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. અલબત્ત, હવે આ 'ખુશ્બુ' ધીરે ધીરે વિસરાઇ રહી છે અને કચ્છના સફેદ રણની મુલાકાતે આવનારા પ્રવાસીઓમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં રણોત્સવની મુલાકાત લેનારા દેશના પ્રવાસીઓમાં 15% જ્યારે વિદેશના પ્રવાસીઓમાં 50% સુધીનો ઘટાડો થયો છે. 

31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રણોત્સવમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી અને તેનાથી કેટલી આવક નોંધાઇ તે અંગે વિધાનસભામાં કરવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં આ ખુલાસો થયો છે. જેમાં પ્રવાસન્ મંત્રીએ આપેલી વિગતો અનુસાર 1 જાન્યુઆરી 2018થી 31 ડિસેમ્બર 2018 દરમિયાન 5,16,544  જ્યારે 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી 4,38,125 પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આમ, વર્ષ 2018 કરતાં વર્ષ 2019માં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.પ્રવાસીઓ ઘટતાં આવકમાં ઘટાડો થાય તે સ્વાભાવિક છે. 1 જાન્યુઆરી 2018થી 31 ડિસેમ્બર 2018 સુધી રૂપિયા 2.90 કરોડ અને 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી રૂ. 2.10 કરોડની આવક રણોત્સવથી થઇ હતી.  તજજ્ઞાોના મતે રણોત્સવમાં પ્રવાસીઓ ઘટવા માટે વિવિધ પરિબળો જવાબદાર છે. જેમાંનું સૌપ્રથમ ટેન્ટ સિટી સહિતની સુવિધાઓ માટે લેવામાં આવતું ધરખમ ભાડું છે. આ ઉપરાંત કચ્છ સુધી સીધી ફ્લાઇટનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે. જેના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ ઈચ્છા છતાં રણોત્સવમાં ભાગ લેવાનું ટાળે છે. રણોત્સવ માટે સૌથી નજીકના એવા ભૂજ એરપોર્ટ સુધી મહિનાની માત્ર 62 ફ્લાઇટે અવર-જવર કરી હતી. પ્રવાસીઓને રણોત્સવ સુધી પહોંચવામાં સરળતા રહે તેવી સુવિધા અને રણોત્સવમાં વધુ કંઇક નવા આકર્ષણો ઉમેરવામાં આવે તો જ તેની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ફરી વધી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર