વિશ્વ આખું અત્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. દરેક વ્યક્તિ કોરોના સામે રક્ષણ મેળવવાની શક્ય તમામ તકેદારીઓ રાખે છે. ખાસ કરીને નાના બાળકો, વડીલો અને સગર્ભાઓ બાબતે સૌથી વધુ ચિંતાનો મુદ્દો છે. પણ, મોરબીના વીસીપરાની સરકારી હોસ્પિટલમાં કંઈક અલગ જ દૃશ્ય જોવા મળે.
પૂનમબેન જોશી નામના મહિલા પરિચારિકા સાત માસના ગર્ભ સાથે કોરોના પીડિત દર્દીઓની સેવા કરતાં નજરે પડે! એટલું જ નહીં, પોતાની ફરજની અદાયગી માટે પોતાનો સીમંત પ્રસંગ પણ મુલતવી રાખીને તેઓ સતત આરોગ્ય વિભાગની સેવામાં જોડાયેલાં છે.
પોતાના આ મક્કમ નિર્ધાર અંગે વાત કરતાં પૂનમબેન કહે છે કે, ભલે હું અત્યારે પ્રેગ્નન્ટ હોઉં અને પેટમાં સાત માસનો ગર્ભ હોય, પરંતુ આજે જ્યારે આવા કપરા કાળમાં મને રાષ્ટ્રસેવા કરવાની તક મળી છે, તો હું પીછેહઠ કેમ કરું? મને મારા કામનો આનંદ અને સંતોષ છે.’
મોરબીના વીસીપરામાં આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા પૂનમબેન હોસ્પિટલમાં સર્ગભા મહિલાઓની સમયસર નોંધણી, હોસ્પિટલમાં માતા અને બાળકની સંભાળ, ચિરંજીવી યોજના સહિત બાળકોને રસી આપવાની અને મમતા કાર્ડની નિભાવણી જેવી કામગીરી નિભાવે છે.
ઉલ્લેખનીય છે કે, પૂનમબેન જોષી જેવાં મોરબીમાં અન્ય દસ આરોગ્યકર્મી મહિલાઓ પણ છે, જેઓ સગર્ભા હોવા છતાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના માનવજાતની સુરક્ષા માટેનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. પોતાની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવા કરતાં પૂનમબેન જેવા અગ્રીમ હરોળના કોરોનાયોદ્ધાઓને લાખ લાખ સલામ...