મધુબાલા : બોલીવુડની ખૂબસુરત અભિનેત્રી (Video Madhubala Flashback)

મધુબાલાની 36 વર્ષની નાનકડી જિંદગી પ્રેમની શોધમાં ભટકતી નિરાશા-હતાશાની વેરાન ભૂમિ બની ગઇ. હિન્દી ફિલ્મોમાં મધુબાલાને તેના સમયની અને સર્વકાલીન આકર્ષક અભિનેત્રીની ઉપમા આપી શકાય. મધુબાલાના મૃત્યુને વર્ષો વિતી ગયા છે તેમજ બોલીવુડમાં અનેક નવી અભિનેત્રીઓનું આગમન થયું પરંતુ આજે પણ તેને તેના અભિનય અને દેખાવ માટે યાદ કરવામાં આવે છે.

મધુબાલાનો જન્મ દિલ્હીમાં 1933ની 14મી ફેબ્રુઆરીએ થયેલો. આ સુંદર પરી કોઈ રાજમહેલમાં નહોતી જન્મી. અતાઉલ્લા ખાં નામના એક ગરીબ મુસ્લિમના ઘરમાં એનો જન્મ થયેલો. આ ઘરમાં રોજી-રોટીની જ સૌથી વધુ મોટી તકલીફ હતી. મધુબાલાનું સાચું નામ હતું મુમતાઝ જહાં બેગમ દહલવી. એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલી મધુબાલા 11 ભાઈ-બહેનોમાં તેના માતાપિતાનું પાંચમું સંતાન હતી.

મધુબાલા વિષે એક મૌલવીએ ભવિષ્યવાણી કરી હતી કે મધુબાલાના જીવનમાં ક્યારેય યશ અને ધનની ખોટ નહી પડે પરંતુ તેને ક્યારેય સુખ નહીં મળે અને તે નાની ઉંમરે જ મૃત્યુ પામશે. મધુબાલાના પિતા અતાઉલ્લા ખાન દિલ્હીમાં ઘોડાગાડી ચલાવતા. ફકીરની વાત અતાઉલ્લાને અંધારાંમાં ઝળહળતા પ્રકાશની આશા જેવી લાગી. એમણે પહેલી વાર દીકરીને ઘ્યાનથી જોઈ. ત્યારે એમને લાગ્યું કે દીકરી તો સાચેસાચ કોહિનૂર છે. દિલ્હીથી દિલ ઊઠી ગયેલું એટલે એમણે નક્કી કર્યું કે મુંબઈ જઈશું અને મુમતાઝને ફિલ્મ ઉદ્યોગમાં કામ અપાવીશું. મુમતાઝમાં ખૂબસૂરતી છે, હુન્નર છે, એટલે મુંબઈમાં એને કંઈને કંઈ કામ મળી જ રહેશે. વધુ પૈસા કમાવવાની આશા સાથે તેઓ મુંબઈ આવ્યા.

એક વર્ષના સંઘર્ષને અંતે તેમની દિકરી મુમતાઝને બોમ્બે ટોકીઝમાં બાળ કલાકાર તરીકે કામ મળી ગયું. 1942માં રીલીઝ થયેલી મુમતાઝની પહેલી ફિલ્મ બસંતમાં મુમતાઝના અભિનયથી તે સમયની જાજરમાન અભિનેત્રી દેવિકા રાણી ખાસ્સી પ્રભાવિત થઈ. દેવિકા રાણીએ આવનારી ફિલ્મોમાં મુમતાઝનું નામ બદલીને મધુબાલા રાખ્યું.

નવા નામ સાથે મુમતાઝે 1944માં દિલીપ કુમાર સાથે ફિલ્મ જ્વાર ભાટામાં કામ કર્યુ. 1947માં કેદાર શર્માએ તેમની ફિલ્મ નીલકમલમાં રાજકપૂર સાથે મધુબાલાને અભિનયની તક આપી. નીલકમલ એ રાજકપૂર અને મધુબાલા બંને માટે તેમના મુખ્ય અભિનયવાળી પહેલી ફિલ્મ હતી. નીલકમલ હિટ જતા રાજકપૂર અને મધુબાલા રાતોરાત સ્ટાર તરીકે પ્રસ્થાપિત થઈ ગયા. મધુબાલા થોડા જ દિવસોમાં બોમ્બે ટોકીઝની સ્થાયી કલાકાર બની ગઈ. 1949માં મધુબાલાએ અશોકકુમાર સાથે બોમ્બે ટોકીઝની ફિલ્મ મહલમાં કામ કર્યુ. ફિલ્મ મહલ અને તેનું સુપરડુપર હીટ પૂરવાર થયું. મહલનું લતા મંગેશકરે ગાયેલું ગીત આયેગા આનેવાલા મધુબાલા અને લતા મંગેશકર બંને માટે ફળ્યું. આગળ જતા મધુબાલાએ અશોકકુમાર, દિલીપકુમાર, દેવઆનંદ, રહેમાન જેવા તે સમયના જાણિતા અભિનેતાઓ સાથે કામ કરીને તેની લોકપ્રિયતામાં અનેકગણો વધારો કર્યો.

1950ના દાયકાના મધ્યમાં તેની કેટલીક ફિલ્મો ફ્લોપ ગઈ. પરંતુ 1958માં મધુબાલા ફાગુન, હાવડા બ્રિજ, કાલાપાની અને ચલતી કા નામ ગાડી જેવી હિટ ફિલ્મો દ્વારા ફરીથી લોકપ્રિયતાના શિખરે પહોંચી ગઈ. 1960માં મધુબાલાએ ફિલ્મ મોગલે આઝમમાં અનારકલીની ભૂમિકા નીભાવી. મધુબાલા અભિનીત પાત્રોમાં તે પાત્રને સૌથી યાદગાર ગણવામાં આવે છે. 1960ના દાયકાની શરૂઆતમાં મધુબાલાએ સુપરહિટ ફિલ્મોની હારમાળા સર્જતા 1961માં ઝુમરૂ, પાસપોર્ટ અને બોયફ્રેન્ડ તેમજ 1964માં શરાબી ફિલ્મમાં અભિનય કર્યો. તેની એક ફિલ્મ જ્વાલા તો તેના મૃત્યુ પછી છેક 1971માં રીલીઝ થઈ.

મધુબાલાની પ્રેમની સફર:- કોની નજરમાં શું છે એ મધુબાલાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેતાં ખબર પડવા લાગી. હવે જાતને ક્યારે-કેટલી ખોલવી અને ક્યારે-કેટલી સંતાડવી એ કળા એને આવડવા લાગી. આમ છતાં એનું ભોળું હાસ્ય એના કાબુની બહાર છટકી જતું. મૂળે તો મધુબાલા બેહદ નિર્દોષ અને ઝિંદાદિલ છોકરી હતી. એ ખુશ રહેવા ઇચ્છતી હતી અને બીજાઓને પણ ખુશ જોવા ઇચ્છતી હતી. ‘નીલકમલ’ના શૂટિંગ દરમિયાન કેદાર શર્માએ મધુબાલા તરફ ખેંચાણ અનુભવ્યું. મધુબાલા એમને કહેતી, ‘શર્માજી મને હસતાં અટકાવો નહીં...’ એ સાંભળી કેદાર શર્મા શિસ્તના બધા નિયમો ભૂલી એના હાસ્યના સાગરમાં ડૂબી જતા. મધુબાલા પ્રત્યેના આ ખેંચાણે જ એમને 14 વર્ષની કન્યાને હીરોઈન તરીકે લેવા મજબૂર કર્યા હતા. એક દિવસ આખરે કેદાર શર્માએ મધુબાલા સામે પ્રેમનો એકરાર કર્યો ત્યારે એણે સસ્મિત કહ્યું, ‘શર્માજી, તમે બહુ સારા માણસ છો.’ જોકે કેદાર શર્મા અને મધુબાલાની મહોબત માટે કોઈ આધાર-પાયો નહોતા એટલે સમયની સાથે એ કયાં ઊડી ગઈ એની ખુદ એમનેય ખબર ન પડી
.
જુઓ ફ્લેશબેક ઓફ મધુબાલા (વીડિયો)

 



મધુબાલા પરાઈ આગના શૂટિંગમાં હતી. એ પોતાના મેકઅપ રૂમમાં આરામ કરતી હતી. એના અબ્બા કયાંક આમતેમ હતા. બધાને ખબર હતી કે અતાઉલ્લા ખાં આસપાસ ન હોય ત્યારે એ ખૂબ રિલેકસ્ડ હોય છે. એની નજર સતત કમાલ અમરોહી પર હતી. આ નવયુવાન જેટલો ખૂબસૂરત છે એટલો જ બુદ્ધિશાળી છે. મુમતાઝ એને ત્રાંસી નજરે જોતી હતી. કમાલે ઠીકઠીક અવગણ્યું, પણ દિલનો રસ્તો ખૂલતો હોય ત્યાં એ શું કરે? છેવટે કમાલ એની પાસે પહોંચ્યા અને ઝૂકીને કહ્યું ‘આદાબ અર્જ હૈ.’ આ ‘આદાબ’ શબ્દ એક ખામોશ પ્રેમકહાણીની શરૂઆત હતો. કમાલ એ દિવસોમાં શાનદાર ઉર્દૂ સંવાદ લેખન, સ્ક્રિપ્ટ અને મોગલ ઇતિહાસની જાણકારી માટે જાણીતા હતા. એમણે સોહરાબ મોદી અભિનિત ‘પુકાર’ વગેરેની કથા પર કામ કરેલું, પરંતુ એમણે હજી કોઈ ફિલ્મનું દિગ્દર્શન નહોતું કર્યું. હવે કમાલની ઇચ્છા હતી કે મધુબાલાના અસીમ સૌંદર્યને પડદા પર ઉતારે. એમણે ‘મહલ’ની સ્ક્રિપ્ટ તૈયાર કરી. એમાં મધુબાલાનાં અપ્રતિમ સૌંદર્ય માટે ખાસ જગ્યા હતી. કમાલે સ્ક્રિપ્ટ અશોકકુમારને સંભળાવી ત્યારે તેઓ કલકત્તામાં હતા, પણ ફોન પર જ સ્ક્રિપ્ટ સાંભળતા ખુશ થઈ ગયા અને હા કહી દીધી. નિર્માતા સામે એક સમસ્યા હતી. એણે અશોકકુમારને ફોન કરી કહ્યું, ‘દાદા, કમાલ પોતે ફિલ્મ ડિરેકટ કરવા ઇચ્છે છે.’ 

અશોકકુમારે કહ્યું, ‘કરવા દો’.મધુબાલાને હીરોઈન તરીકે લેવામાં પણ ઘણી અડચણો હતી. બોમ્બે ટોકિઝનો કોન્ટ્રાકટ સુરૈયા સાથે હતો, જે માટે એને ૪૦,૦૦૦ રૂપિયા અપાઈ ચૂક્યા હતા. કોઈ બીજી હીરોઈનને લેતાં એ રકમ ડૂબી જવાનું નક્કી હતું, પણ કમાલ મધુબાલા સિવાય બીજી કોઈને ‘મહલ’ની હીરોઈન બનાવવા તૈયાર જ નહોતા. એમણે સ્પષ્ટ કહી દીધું - ફિલ્મ બનશે તો મધુબાલા સાથે. હવે મધુબાલાને ૧૬મું વર્ષ ચાલતું હતું. એનાં યૌવન અને સૌંદર્ય ટોચ પર પહોંચવાની તૈયારીમાં હતાં. વળી કમાલની પ્રેમી નજરની અસર પણ હતી. જેમણે મહલ જોઈ છે એમને આજ સુધી મધુબાલા યાદ હશે જ. મધુબાલાનાં ચુંબકીય સૌંદર્યને કમાલ અમરોહીએ ખૂબ નજાકતથી કેમેરામાં કેદ કર્યું હતું. મોં પરનો દુપટ્ટો ધીરે ધીરે સરકતો જાય અને મોં અડધું ઢંકાયેલું - અડધું ખુલ્લું રહે. ધીરે ધીરે પ્રગટ થાય એક કાતિલ સ્મિત. આ એક સસ્પેન્સ ફિલ્મ હતી. આવી ફિલ્મો લોકો વારંવાર નથી જોતા હોતા એટલે એ મોટો બિઝનેસ કરશે એ બાબતે શંકા હતી.

સુરૈયા જેવી સુરૈયાને રિપ્લેસ કરનારી મધુબાલા વિષે રંગીન વાતોની અફવા પ્રગટ કરવાનું પ્રિન્ટ મીડિયાએ શરૂ કરી દીધું હતું. ‘મહલ’ રજૂ થતાં જ બધાનાં મોં સિવાઈ ગયાં. કમાલ અમરોહીની દિગ્દર્શક તરીકેની આ પહેલી ફિલ્મ ખરેખર કમાલની હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી દીધી. એનું ગીત ‘આયેગા આને વાલા...’ ગજબનું છવાઈ ગયું. આ ફિલ્મથી લતા મંગેશકરને પણ પહેલી વાર આટલી મોટી સફળતા મળી હતી. મધુબાલાને તો સાતમા આસમાનમાં બેસાડી દેવાઈ. એના અભિનય અને ખૂબસૂરતીની ચર્ચા હોલીવૂડ સુધી પહોંચી ગઈ. એને ‘હિંદુસ્તાનની મોનાલિસા’ની પદવી મળી ચૂકી હતી. મધુબાલાની જિંદગીના આ સુંદરતમ દિવસો હતા.

મધુબાલા અને કમાલ અમરોહીનો પ્રેમ ઘણાં પગથિયાં ઉપર ઊઠ્યો. મધુ એમની સાથે શાદી કરવા તૈયાર હતી પણ કોઈ ભાગ પડાવે એ એને મંજૂર નહોતું. કમાલ અમરોહી પરિણીત હતા અને એમને બાળકો પણ હતાં. બીબીને તલાક આપવા અને બાળકોને પૈસા આપી સેટલ કરી દેવા મધુએ કમાલને સમજાવ્યા, પણ કમાલનો પ્રેમ આંધળો નહોતો. એમણે કહ્યું, ‘મેં હજી મારો આત્મા નથી વેચ્યો, મધુ. પૈસા આપીને હું મારી જવાબદારીઓ તરફથી મોં ન ફેરવી શકું.’ મધુબાલા આ સાંભળી ખૂબ દુ:ખી થઈ અને આ રીતે આ પ્રેમકહાણીનો અંત આવી ગયો.

હ્રદયરોગનો સામનો:- મધુબાલા ફિલ્મોમાં પ્રવેશ કર્યો તેના થોડા અરસા પછીથી જ હ્રદયરોગનો સામનો કરી રહી હતી. તે વખતે હાર્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ નહોતી. તેથી પૈસા અને પ્રસિદ્ધિ હોવા છતાય મધુબાલા આ રોગ સામે લાચાર હતી. મધુબાલાએ સાહસપૂર્વક આ રોગનો સામનો કર્યો. એટલું જ નહીં ફિલ્મ જગતના ઘણા લોકોને તો આ વાતની જાણ શુદ્ધા નહોતી.

1964 પછી હ્રદયરોગના લીધે તે ફિલ્મોમાં વધુ કામ ન કરી શકી. 23 ફેબ્રુઆરી 1969માં મૃત્યુ પામતા સુધીમાં તો મધુબાલા ફિલ્મ જગતમાં છવાઈ ચૂકી હતી.

મધુબાલા એક મહાન અને સુંદર અભિનેત્રી તરીકે સૌને હંમેશા યાદ રહેશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર