લવરાત્રિ ફિલ્મ મુદ્દે સલમાન સહિતના પક્ષકારોને હાઇકોર્ટની નોટિસ
શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (14:21 IST)
બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના હોમ પ્રોડ્ક્શનની ફિલ્મ લવયાત્રીમાં હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવતી હોવાના મામલે થયેલી રિટ સંદર્ભે કોર્ટે સલમાન ખાન, ડિરેક્ટર, લેખક, સેન્સર બોર્ડ અને રાજ્ય સરકારને હાઇકોર્ટે નોટિસ જારી કરી છે. ઉપરાંત, આગામી મુદતે યોગ્ય ખુલાસો કરવા પણ આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 27મી સપ્ટેમ્બર રોજ યોજવામાં આવશે. નોંધનીય છે કે, પાંચ ઓક્ટોબરના રોજ લવયાત્રી ફિલ્મ રીલિઝ થવાની છે તે પહેલાં જ વિવાદ થતા ફિલ્મની મુશ્કેલી વધે તેવી શક્યતા છે.
સનાતન ફાઉન્ડેશનના ઉમેશસિંહ ચાવડા અને આંતરરાષ્ટ્રીય હિંદુ સેનાના પ્રમુખ પ્રકાશ દ્વારા બે જુદી જુદી પિટિશન હાઇકોર્ટમાં કરી હતી. જેમાં એવી રજૂઆત કરી છે કે, ‘લવરાત્રિ’ ફિલ્મની થીમ તેમજ તેનું નામ હિંદુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવું છે. આ ફિલ્મનું નામ નવરાત્રિને આધારે લવરાત્રિ રાખવામાં આવ્યું છે. જેના ટ્રેલરમાં જ કેટલાક સંવાદો શંકાસ્પદ છે. તેમજ તેમાં નવરાત્રિના તહેવારનું અપમાન કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. નવરાત્રિ નવદુર્ગાની ભક્તિ માટે ઉજવાય છે ત્યારે નવરાત્રી હિંદુઓ માટે અતિ પવિત્ર મનાય છે. જેથી આ ફિલ્મની રીલિઝ સામે પ્રતિબંધ માગવામાં આવ્યો છે.’આવી રજૂઆત બાદ ગત મુદતે જ ફિલ્મનું નામ બદલી લવયાત્રી કરી દેવામાં આવ્યું હતું. જો કે, પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ઇસ્યૂ કરી વધુ સુનાવણી 27મીના રોજ પર યોજવા આદેશ કર્યો છે. અરજદારોના એડવોકેટ્સ તરફથી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે,‘ટ્વીટરના માધ્યમથી અરજદારને એ ધ્યાનમાં આવ્યું છે કે ફિલ્મનું નામ બદલીને ‘લવયાત્રી’ કરાયું છે. જેની ટેગ લાઇન ‘જર્ની ઓફ લવ’ છે. આ ટાઇટલ પણ ‘નવરાત્રિ’ જેવું જ સાઉન્ડ કરે છે અને એનો દુરુપયોગ નિર્માતા ઉઠાવવા માગે છે. તેઓ આ ફિલ્મનું નામ ‘લવયાત્રા’ પણ રાખી શકે છે.