આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

શુક્રવાર, 14 જૂન 2024 (13:24 IST)
આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે ‘મહારાજ’. ‘લીબેલ કેસ 1862’ પર આધારિત છે. આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ લાગ્યો છે. ફિલ્મ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી હોવાનો દાવો છે. વૈષ્ણવ સંપ્રદાયે અગાઉ પણ રજૂઆત કરી હતી પરતું એક્શન ન લેવાયા હોવાનો દાવો કરાયો છે. ગુજરાત હાઇકોર્ટે ફિલ્મ પર હંગામી સ્ટે આપીને પક્ષકારોને નોટિસ પાઠવી છે. 18 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મના સ્ટેના કારણે યશરાજ ફિલ્મ્સ અને બોલિવૂડના મોટા બેનરને મોટો ફટકો પડી શકે છે. કારણ કે આ ફિલ્મથી જાહેર જનતાની લાગણી દુભાવતી હોવાના દાવા સાથે હાઇકોર્ટમાં આઠેક અરજદારોએ રિટ પિટિશન કરી હતી. 
 
સ્તોત્રો વિરુદ્ધ ગંભીર નિંદાકારક ટિપ્પણી કરવામાં આવી
રિટની પ્રાથમિક સુનાવણી બાદ જસ્ટિસ સંગીતા વિષેને ફિલ્મની રિલીઝ પર સ્ટે આપ્યો હતો. 14મી જૂને નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થવાની હતી. પરંતુ હાઇકોર્ટે આગામી 18મી જુન સુધી રિલીઝ પર સ્ટે આપી દીધો છે. આ મામલે ભગવાન કૃષ્ણના ભક્તો અને વલ્લભાચાર્યના અનુયાયીઓ વતી દાખલ કરેલી અરજીમાં પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે દેખીતી રીતે ‘મહારાજ બદનક્ષી કેસ 1862’ પર આધારિત આ ફિલ્મ છે. જે ફિલ્મમાં દર્શાવવામાં આવેલ દ્રશ્યોથી જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી પુરી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિંદુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે. સાથે જ અરજદારોએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે હિંદુ ધર્મની નિંદા અને ભગવાન કૃષ્ણ તેમજ ભક્તિ ગીતો અને સ્તોત્રો વિરુદ્ધ ગંભીર નિંદાકારક ટિપ્પણી કરવામાં આવી છે.
 
ફિલ્મની રિલીઝ પર વચગાળાનો આદેશ કરતા રોક લગાવી
પીટીશનરો એવી પણ રજૂઆત કરી હતી કે જો આવી ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે તો અરજદારો સહિત સંપ્રદાયના લોકોની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચશે અને તેની ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે. પીટીશનરો વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે તેઓએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને તાત્કાલિક રજૂઆત કરી હતી. તેમને ફિલ્મની રિલીઝને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી. આ અંગે મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા કે કાર્યવાહી કરવામાં આવી નથી. જેને પગલે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેની કોર્ટે પુષ્ટિમાર્ગીઓની રજૂઆતો ધ્યાનમાં લઈ ફિલ્મની રિલીઝ પર વચગાળાનો આદેશ કરતા રોક લગાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર