ફિલ્મ કગાર ફૅમ અભિનેતા અમિતાભ દયાલે છત્તીસગઢના મુખ્યપ્રધાન સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શૂટિંગ તથા અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી

સોમવાર, 2 ઑગસ્ટ 2021 (20:48 IST)
એન. ચંદ્રાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ કગારના મુખ્ય અભિનેતા અમિતાભ દયાલ છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને તેમના નિવાસસ્થાને 30 જુલાઈ  2021નાં મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન અભિનેતા અમિતાભ દયાલે છત્તીસગઢમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શૂટિંગ, ફિલ્મસિટી અને કલાકારોના સન્માન કરવા જેવા અનેક વિષયો પર ચર્ચા કરી. બઘેલે દયાલની આ પહેલ માટે સરાહના કરી હતી. એ સાથે સીએમઓ છત્તીસગઢના ઑફિશિયલ પેજ પર આ મીટિંગની વાત શેર પણ કરી હતી. એ માટે અમિતાભ દયાલે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલનો આભાર માન્યો હતો.
          મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ સાથેની મુલાકાત બાદ અમિતાભ દયાલે કહ્યુ કે, છત્તીસગઢ મારી માતૃભૂમિ છે અને મુંબઈ કર્મભૂમિ. હું ઇચ્છું છું કે અન્ય રાજ્યોની જેમ છત્તીસગઢ સરકાર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમામ સુવિધાઓ અને સહયોગ આપે. જેથી અહીંના લોકોને અવસર મળે અને તેઓ છત્તીસગઢની કલા અને સંસ્કૃતિને દુનિયામાં પહોંચાડવાની સાથે રાજ્યને એક આગવી ઓળખ આપી શકે. હું મારી જન્મભૂમિના લોકોને પુષ્કળ પ્રેમ કરૂં છું, એટલે હું ઇચ્છું છું કે તેમને રાજ્યમાં જ અવસર મળે અને તેમણે અહીંતહીં ભટકવું ન પડે. મુખ્યપ્રધાન બઘેલજી ખૂબ જ સજ્જન, મિલનસાર અને અનુભવી વ્યક્તિ છે. એટલે આશા રાખું છું કે વહેલી તકે આના પર વિચારણા કરી કોઈ નક્કર નિર્ણય લે.
          અમિતાભ દયાલ એન. ચંદ્રાની ફિલ્મ કગારમાં હીરો હતા, ઉપરાંત ફિલ્મ વિરૂદ્ધમાં અમિતાભ બચ્ચન સામે મુખ્ય વિલન તરીકે ભૂમિકા ભજવી ચુક્યા છે. તેમણે બે હિન્દી અને બે મરાઠી ફિલ્મનું નિર્માણ પણ કર્યુ છે. તેમનો જન્મ બિલાસપુરમાં થયો, અભ્યાસ બિલાસપુર, ભિલાઈ અને રાયપુર જેવા શહેરોમાં કર્યો અને પછી મુંબઈ આવીને વસ્યા. આજકાલ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અમિતાભ દયાલ કોર્પોરેટની જાહેરાતો, મ્યુઝિક વિડિયો અને ઍડ ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે અને લંડનમાં પણ પ્રોડક્શન હાઉસ હોવાથી તેમનો મોટાભાગનો સમય મુંબઈ અને લંડનમાં જ વીતે છે. અમિતાભ દયાલ બહુમુખી પ્રતિભાશાળી હસમુખ વ્યક્તિ છે. પરંતુ લાગે છે કે કદાચ તેઓ રાજનીતિમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છે. જોકે આ અંગે તેમણે કોઈ પ્રતિભાવ ન આપ્યો અને હસીને જવાબ ટાળી દીધો. હવે સમય જ કહેશે કે આ મુલાકાતનું શું પરિણામ આવે છે. આમ તો તેમના આ પ્રયાસને કારણે છત્તીસગઢમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે ત્યાંના કલાકારોના હિતમાં ડેવલપમેન્ટ થતું હોય તો તેઓ સ્થાનિક લોકો માટે રિયલ લાઇફ હીરો બની જશે. એટલું જ નહીં, તેમના આ પ્રયાસ માટે અને તેમના યોગદાન માટે ત્યાંની જનતા હંમેશ યાદ રાખશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર