World Ocean Day 2021 : ગુજરાતનો શાંત મનાતો આ દરિયાકાંઠો શું હવે તોફાની બની રહ્યો છે?

મંગળવાર, 8 જૂન 2021 (15:15 IST)
ભારતને માટે વાવાઝોડું અસામાન્ય વાત નથી, છતાં દેશનો સૌથી લાંબો દરિયો ધરાવતા ગુજરાતના કિનારાના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે છે. પરંતુ હવે તેમાં પરિવર્તન આવી રહ્યું છે.
વર્ષ 2019માં અરબ સાગરમાં ચાર અને વર્ષ 2020માં બે વાવાઝોડાં સર્જાયાં હતાં. ગત વર્ષે બંગાળની ખાડીમાં ત્રણ વાવાઝોડાંનું નિર્માણ થયું હતું.
 
મે 2021માં ગુજરાતના દરિયાકિનારે તૌકતેએ લૅન્ડફૉલ કર્યું હતું. વર્ષ 2021નું આ પ્રથમ વાવાઝોડું છે. કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહેલા ગુજરાતીઓ માટે તેણે 'દુકાળમાં અધિકમાસ' જેવી સ્થિતિ ઊભી કરી છે.
ગુજરાતના દરિયાકિનારે વધી રહેલાં વાવાઝોડાંની સંખ્યા માટે વૈશ્વિક જળવાયુ પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ને જવાબદાર માનવામાં આવે છે.
 
ગત વર્ષે (2020) ભારત સરકારના ભૂવિજ્ઞાન વિભાગ દ્વારા જળવાયુ પરિવર્તન મુદ્દે એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેનું તારણ છે કે હિંદ મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન વધી રહ્યું છે, જેના કારણે વાવાઝોડાંની સંખ્યા તથા તીવ્રતા વધી શકે છે.
 
ગુજરાત પર વાવાઝોડાંની આશંકા કેમ વધી રહી છે, તે સમજતાં પહેલાં આપણે વાવાઝોડું કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે સમજવું પડે.
 
જ્યારે દરિયાની સપાટી ઉપરથી ગરમ અને ભેજવાળી હવા ઉપર ઊઠે ત્યારે તે લૉ-પ્રૅશર સિસ્ટમ ઊભી કરે છે. દરિયાઈ પાણીની સપાટી પરની (અને નીચેની ગરમીથી પણ) ગરમીને કારણે તે ઉપર ઊઠે છે, અને ગરમી તેને આગળ વધવા માટેની ઊર્જા પૂરી પાડે છે, જેના આધારે તે 'સુપર સાયક્લૉન'નું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.
 
આ માટે જળસપાટીનું તાપમાન 28 ડિગ્રી કે તેના કરતાં વધુ હોય તો તેને આદર્શ સ્થિતિ માનવામાં આવે છે.
 
કેન્દ્ર સરકારના ઉપરોક્ત અભ્યાસ વિશે બીબીસીએ અભ્યાસના સહ-લેખક તથા પુના ખાતેના ઇન્ડિયન ઇનસ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મીટિયૉરૉજિકલ ખાતે દરિયાઈ તાપમાનના અભ્યાસુ વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. રૉક્સી મૈથ્યૂ કોલ સાથે વાત કરી.
 
ડૉ. કોલના કહેવા પ્રમાણે, "વિશ્વભરમાં જેટલા કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, તેમાંથી લગભગ 90 ટકા દરિયા દ્વારા શોષી લેવામાં આવે છે.
 
"તેમાં હાલમાં હિંદ મહાસાગરનું તાપમાન સૌથી ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતા વધવાની શક્યતા વધી જાય છે. આ સાથે જ ભારેથી અતિભારે વરસાદનું પ્રમાણ વધી જાય છે."
 
કેન્દ્ર સરકારના ભૂવિજ્ઞાન મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલાં અભ્યાસના તારણ (ચેપ્ટર-10, પૃ. 191-207) પ્રમાણે, હિંદ મહાસાગરની દરિયાઈસપાટીનું તાપમાન (1951-2015 દરમિયન) એક ડિગ્રી જેટલું વધ્યું હતું, જ્યારે આ અરસામાં વૈશ્વિકસ્તરે દરિયાઈ જળસપાટીના તાપમાનમાં 0.70 ડિગ્રી જેટલી વૃદ્ધિ જોવા મળી હતી. વિશ્વની ત્રીજા ભાગની વસતિ તેના દરિયાકિનારે વસે છે.
 
વાવાઝોડાને કારણે નજીકના ભવિષ્યમાં 1.2થી 1.6 ડિગ્રી તાપમાન અને દૂરના ભવિષ્ય માટે (વર્ષ 2100ના અંતભાગ સુધીમાં) 1.6થી 2.7 ડિગ્રી જેટલી દરિયાની સપાટીના તાપમાનમાં વૃદ્ધિ થશે.
 
બંગાળની ખાડી અને બેહાલી
 
બંગાળની ખાડીએ વિશ્વની સૌથી મોટી ખાડી છે. તેના કિનારાના વિસ્તાર પર લગભગ 50 કરોડ લોકો નિવાસ કરે છે. વિશ્વના ઇતિહાસમાં જે કોઈ ભયાનક ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં અહીં જ ત્રાટક્યાં છે.
 
'વૅધર અંડરગ્રાઉન્ડ'ની યાદી મુજબ, સૌથી ભયાનક 35 ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંમાંથી 26 આ વિસ્તારમાં ત્રાટક્યાં છે. હિંદ મહાસાગરની સરખામણીમાં બંગાળની ખાડીની દરિયાઈસપાટીનું તાપમાન 28 ડિગ્રી કે તેથી વધુનું રહેતું હતું.
 
જોકે અરબ સાગરની દરિયાઈસપાટી ઠંડી હોવાથી લો પ્રેશર એરિયા, ડિપ્રેશન કે ડિપ ડિપ્રેશન ઊભા થાય, પરંતુ તે વાવાઝોડાંનું સ્વરૂપ ધારણ કરતાં ન હતાં.
 
બીજી બાજુ આ ગરમ સપાટીને કારણે બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડાં ઉત્પન્ન થતાં હતાં અને હવે ઉત્તર હિંદમહાસાગર વિસ્તારમાં પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. 2019માં અરબ સાગરમાં 'મહા', 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' જેવાં વાવાઝોડાં સર્જાયાં હતાં. 2020માં 'અંફન' તથા 'નિસર્ગ' જેવા વાવાઝોડાં સર્જાયાં હતાં.
 
મે-2008માં વાવાઝોડાં નરગીસે મ્યાનમારના ઇરાવેડ્ડી ત્રિકોણીય પ્રદેશમાં તબાહી મચાવી હતી, જેના કારણે એક લાખ 40 હજાર લોકો મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે 20 લાખ લોકો બેઘર બની ગયા હતા.
 
આ પહેલાં 1999માં ઓડિશા ઉપર સુપર સાઇક્લોન ત્રાટક્યું હતું, જેમાં 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતા અને તેની અસર ગુજરાત સુધી જોવા મળી હતી, કચ્છમાં રેલવેના વૅગન પલટી ગયા હતા. એ પહેલાં 1970માં'ભોલા'ને કારણે બંગાળની ખાડીમાં પાંચ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં, તે ઇતિહાસનું અત્યારસુધીનું સૌથી ભયાનક વાવાઝોડું છે.
 
મૅન, મૅનગ્રૂવ અને મિકેનિઝમ
 
ડૉ. કોલના મતે, "દરિયાકિનારાના વિસ્તારમાં કુદરતી રીતે મેનગ્રૂવના ઝાડ જોવા મળે છે. જે વાવાઝોડાંની સામે કુદરતી રીતે ઢાલની ગરજ સારે છે. ઔદ્યોગિકવિસ્તારનો વ્યાપ વધારવા માટે તેને હઠાવી દેવામાં આવે છે, વાસ્તવમાં તેનો વિસ્તાર વધારવો જોઈએ."
 
"બંગાળની ખાડીમાં મોટા વાવાઝોડાં ઉદ્દભવે છે, પરંતુ સુંદરવનનો વિસ્તાર આ આઘાતને શોષી લે છે અને વાવાઝોડાંની અસર ઘટાડી દે છે, એટલે કુદરતી સંરક્ષણવ્યવસ્થા ઉપર ધ્યાન આપવું જોઈએ."
 
આ વાવાઝોડાંનાં ગતિમાં ઝડપભેર વૃદ્ધિ થવાને કારણે વહીવટીતંત્રને લોકોને સલામતસ્થળે ખસેડવા માટે પૂરતો સમય નથી મળતો.
 
આ સિવાય ભવિષ્યમાં ઉત્પન્ન થનારા વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતાના અનુમાનના આધારે રાહત અને બચાવ કામગીરીની વ્યવસ્થા તથા સંશાધનોમાં વૃદ્ધિ કરીને રિસ્ક મૅનેજમૅન્ટ કરવાની જરૂર છે. અરબ સાગરમાં આવું વારંવાર બનવાની શક્યતા છે.
 
ડૉ. કોલના કહેવા પ્રમાણે, તૌકતે માટે આપણને લગભગ એક અઠવાડિયાં અગાઉથી માહિતી મળી ગઈ હતી, પરંતુ વાવાઝોડું ક્યારે સિવિયર સાઇક્લોનનું સ્વરૂપ ધારણ કરશે, તે માટેની પ્રણાલી આપણી પાસે નથી. ગતિની વૃદ્ધિમાં દરિયાઈસપાટીનું તાપમાન પણ મોટી ભૂમિકા ભજવે છે.
 
હાલમાં ભારત દ્વારા 'ઇન્ડિયન ઓશન ઑબ્ઝર્વિંગ સિસ્ટમ' દ્વારા દરિયામાં પવનની ઝડપ, દરિયાની સપાટી (અને તેની નીચેના) તાપમાન, હવાની દિશા, દરિયાઈ પ્રદૂષણ સહિતની માહિતી મેળવવામાં આવે છે.
 
આ માટે અલગ-અલગ સ્થળોએ મથક ઊભા કરવામાં આવ્યાં છે અને દરિયાના પેટાળમાં સાધન ગોઠવવામાં આવ્યા છે. આ સિવાય ઉપગ્રહો દ્વારા પણ સપાટીના તાપમાન ઉપર નજર રાખવામાં આવે છે.
 
જ્યારે 24 કલાક દરમિયાન વાવાઝોડાંની ગતિમાં કલાકના 65 કિલોમીટરની વૃદ્ધિ જોવા મળે ત્યારે તેને 'વેરિ સિવિયર સાયક્લૉન'ની સંજ્ઞા આપવામાં આવે છે. ટેમ્પ્રેચરને કારણે સ્પીડને પણ કોઈ અસર પડે છે, મતલબ કે તે ઝડપથી વધી જાય.
 
વાવાઝોડાં વિશે...
વાવાઝોડાં અને દરિયાસપાટીના તાપમાન વચ્ચે સીધો સંબંધ છે, તો જળવાયુ પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) તેના માટે જવાબદાર પરિબળ છે. માત્ર ભારત જ નહીં, અન્ય દેશોમાં પણ અગાઉ કરતાં વધુ સંખ્યામાં અને વધુ શક્તિશાળી વાવાઝોડાં જોવા મળી રહ્યાં છે.
 
જ્યારે વંટોળની ગતિ 31 કિલોમીટર પ્રતિકલાક (કે ઓછી) હોય તો તેને 'લો-પ્રેશર એરિયા' તરીકે ઓળખવામાં આવે છે.
 
જ્યારે વંટોળની ઝડપ (31-49 કિલોમીટર પ્રતિકલાક) હોય ત્યારે તેને 'ડિપ્રેશન' તરીકે ઓળખવામાં આવે છે. તે 50થી 61 કિમી/પ્રતિકલાકની ઝડપ હાંસલ કરે એટલે તેને 'ડિપ-ડિપ્રેશન' તરીકે ઓળખવામાં આવે છે.
 
પવનની ગતિ 62થી 88 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચે એટલે તે 'વાવાઝોડું' બને છે. તેને 'સિવિયર સાયક્લૉન' બનવા માટે 89થી 118 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ હાંસલ કરવી પડે છે.
 
221 કિલોમીટરથી ઓછી અને 119 કિલોમીટર કરતાં વધુની ઝડપ હોય તો તેને 'વેરી સિવિયર સાલોન' કહેવામાં આવે છે અને 222 કિલોમીટર/પ્રતિકલાક કરતાં વધુની ઝડપ હોય તો તે સુપર સાયક્લૉન બને છે.
 
વાવાઝોડાં તેની સાથે ભારેથી અતિભારે વરસાદ ખેંચી લાવે છે, જેના કારણે જાનમાલ અને મિલ્કતને નુકસાન થઈ શકે છે.
 
વાવાઝોડાની આઈ શું છે અને કેટલી મોટી હોય?
વાવાઝોડાંના મધ્યવર્તી ભાગને 'આઈ' કે આંખ તરીકે ઓળખવામાં આવે છે અને આ વિસ્તાર શાંત હોય છે. જે વંટોળે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેનો ઘેરાવો 150થી એક હજાર કિલોમીટર સુધીનો હોય શકે છે. આંખનો વ્યાસ 30થી 50 કિલોમીટર સુધી હોઈ શકે છે.
 
વાવાઝોડાની આંખની ફરતેના 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે છે. તેને "વાદળોની દિવાલના વિસ્તાર" તરીકે ઓળખવામાં આવે છે. તેની બહારનો વિસ્તાર જેટલો દૂર હોય, તેટલી ઓછી અસર થાય છે.
 
વાવાઝોડું કિનારે પહોંચવા માટે દૈનિક 300થી 500 કિલોમીટર સુધીની સફર ખેડતું હોય છે. લૅન્ડફૉલ થયા બાદ તેની ગતિ મંદ પડે છે, પરંતુ ઘણી વખત આ ગતિ જળવાય રહેતી હોય છે, જેના કારણે ભારે વિનાશ અને તારાજી સર્જાતી હોય છે.
 
વાવાઝોડું કિનારે પહોંચે ત્યારે દરિયામાં 10 ફૂટથી માંડીને 40 ફૂટ સુધીની લહેર ઉઠતી હોય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર