એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીની બે મહિનાથી સારવાર, 551 દર્દીની સર્જરી કરાઈ

સોમવાર, 7 જૂન 2021 (19:07 IST)
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 67 દિવસમાં 984 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. ગુજરાત સરકારે મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરી છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે અલાયદા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગના તબીબો દિવસ-રાત મ્યુકોરમાઇકોસિસ રોગ પીડિત દર્દીઓની સેવા-શુશ્રૂષામાં કાર્યરત છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એવા એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેક્શનનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા દ્વારા પુરા પાડવામાં આવે છે.મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી અન્ય ઇન્જેકશન એવા લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જેક્શનના વિતરણ માટે પણ પાંચ નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે, જે દર્દીની શારિરીક જરૂરિયાત અને બ્લડ રિપોર્ટના માપદંડોના આધારે આ ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે.જે દર્દીના બ્લડ રિપોર્ટસમાં સીરમ અને ક્રિએટીનીનનું સ્તર વધુ હોય, મ્યુકોરની ફંગસ(ફુગ) મગજ સુધી પહોંચી હોય, દર્દી એક કિડની પર જ નિર્ભર હોય, નેફ્રોલોજીસ્ટની ભલામણ હોય, તેવા મ્યુકોરમાઇકોસિસના દર્દીને જ આ કમિટી દ્વારા આ ઇન્જેકશન આપવાનું નક્કી કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર