પબજીને ટક્કર આપવા આવી રહેલી અક્ષય કુમારની 'ફૌજી'માં શું છે ખાસ?

સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (12:33 IST)
એક ભારતીય કંપનીએ અભિનેતા અક્ષય કુમાર સાથે મળીને પબજી જેવી મોબાઈલ ગેમ બજારમાં લાવવાની જાહેરાત કરી છે, જેનો હેતુ સ્પષ્ટ રીતે માર્કેટમાં સર્જાયેલી એ ખાસ જગ્યાને ભરવાનો છે જે પ્રખ્યાત ચાઇનીઝ મોબાઈલ ઍપ પબજી પર પ્રતિબંધ લાગવાથી થઈ છે.
 
બેંગલુરુસ્થિત 'ઍન-કૉર ગેમ્સ' નામની કંપનીએ આ મોબાઈલ ગેમ તૈયાર કરી છે જે પબજીની પ્રતિસ્પર્ધી મનાઈ રહી છે.
 
કંપનીએ આ ગેમને 'ફૌજી (FAU:G) નામ આપ્યું છે જે ઑક્ટોબરના અંત સુધી માર્કેટમાં આવશે.
 
કંપનીના સહસંસ્થાપક વિશાલ ગોંડલે સમાચાર એજન્સી રૉયટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે આ ગેમનું આખું નામ, 'ફીયરલેસ ઍન્ડ યુનાઇટેડ ગાર્ડ્સ' છે. આ ગેમ ઉપર અનેક મહિનાથી કામ ચાલી રહ્યું હતું. અમે આ ગેમનું પ્રથમ લેવલ ગલવાન ખીણ આધારિત રાખ્યું છે.
 
ગલવાનમાં જ ચીન અને ભારતના સૈનિકો વચ્ચે જૂનમાં પહેલીવાર અથડામણ થઈ હતી જેમાં ઓછામાં ઓછા 20 ભારતીય જવાનોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારથી LACને લઈને બન્ને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
 
આ ઘર્ષણ વચ્ચે ભારત સરકારે લોકપ્રિય ગેમિંગ ઍપ પબજી સહિત ચીનની કંપનીઓ દ્વારા બનાવાયેલી 118 અન્ય મોબાઇલ ઍપ ઉપર બુધવારે પ્રતિબંધ મૂકી દીધો હતો.
 
શહીદોના પરિવારોને મદદનો દાવો
 
પબજી એટલે કે 'Player unknown's battlegrounds' પાછલાં કેટલાંક વર્ષોથી ભારતમાં ખૂબ જ લોકપ્રિય મોબાઈલ ગેમ રહી છે. યુવાનોમાં આ ગેમનું ભારે આકર્ષણ રહ્યું છે અને એના પ્રતિબંધની જાહેરાતને લઈને સોશિયલ મીડિયા ઉપર એમની આકરી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી છે.
 
ટીકાકારોનું માનવું છે કે 'ફૌજી'ના માધ્યમથી ભારતીય કંપની 'ઍન-કૉર ગેમ્સ' લોકોની દેશભક્તિની ભાવનાને અંકે કરવાની કોશિશમાં છે. કંપનીના સહસંસ્થાપક વિશાલ ગોંડલેએ એવી જાહેરાત પણ કરી છે, "આ મોબાઈલ ગેમથી થનારી કુલ આવકનો 20% ભાગ ભારત માટે શહીદ થયેલા સૈનિકોના પરિવારોને આપવામાં આવશે."
 
ચીનને 'રમકડાંની રમત'માં ભારત કેવી રીતે હરાવી શકશે?  અભિનેતા અક્ષય કુમારનો મળ્યો સાથ કહેવાઈ રહ્યું છે કે અભિનેતા અક્ષય કુમાર આ કથિત અભિયાનમાં કંપનીનો સાથ આપી રહ્યા છે.
 
કંપનીના જણાવ્યાનુસાર ગેમ માટે 'FAU:G એટલે કે ફૌજી' નામ પણ અક્ષય કુમારે સૂચવ્યું છે. અક્ષય કુમારે શુક્રવારે આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
 
તેમણે લખ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્થન આપતી આ ઍક્શન ગેમ 'ફીયરલેસ ઍન્ડ યુનાઇટેડ ગાર્ડ્સ, ફૌજી' રજૂ કરવામાં મને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. "
 
" ઉપરાંત ખેલાડી આપણા સૈનિકોનાં બલિદાનો વિશે પણ જાણશે. આ ગેમની 20% નેટ રેવન્યૂ 'ભારત કે વીર' ટ્રસ્ટને દાન કરવામાં આવશે."
 
કંપનીને આશા છે કે ગેમ લૉન્ચ થવાના થોડા જ દિવસોમાં લગભગ 20 કરોડ મોબાઇલ યુઝર્સ આ ગેઇમને ડાઉનલૉડ કરી લેશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર