મહારાષ્ટ્ર કોઈ ગોવા કે મણિપુર નથી, તેમને પાઠ ભણાવીશું : શરદ પવાર

મંગળવાર, 26 નવેમ્બર 2019 (09:22 IST)
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી અને અજિત પવારને ઉપમુખ્ય મંત્રી પદના શપથ અપાવવાની રીતને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપે તેવી શક્યતા છે. આ અંગે રવિવારના રોજ શરૂ થયેલી સુનાવણી સોમવારના રોજ પણ ચાલુ રહી હતી અને કોર્ટે કહ્યું હતું કે તે મંગળવારે પોતાનો નિર્ણય સંભળાવશે.
 
સુપ્રીમ કોર્ટના આ વલણ બાદ મુંબઈમાં સોમવારની મોડી રાત્રે ભારે હલચલ જોવા મળી. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના અને કૉંગ્રેસે એક પ્રકારનું સંયુક્ત શક્તિ પ્રદર્શન કર્યું હતું.
 
જેમાં 'અમે 162'ના નારા હેઠળ 162 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
 
'અમને જનાદેશ'
 
ત્રણેય પાર્ટીઓએ પોતાના બધા જ 162 ધારાસભ્યોની પરેડ કરાવી અને એ દર્શાવ્યું કે મહારાષ્ટ્રમાં શાસન કરવા માટે 'અસલ જનાદેશ' તેમને જ મળ્યો છે. આ અવસર પર હાજર દરેક 162 ધારાસભ્યોએ પોતાની પાર્ટી પ્રત્યે વફાદાર રહેવા અને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ ન થવાના સોગંદ લીધા હતા.
 
તેના પર ભાજપના નેતા અને પૂર્વ મંત્રી આશિષ શેલારે કહ્યું, "અમને ભરોસો છે કે અમે વિધાનસભામાં બહુમતી સાબિત કરીશું."
 
"હોટેલમાં આ પ્રકારની પરેડ કરાવવાથી બહુમતી સાબિત થઈ જતી નથી."
 
'પાઠ ભણાવીશું'
 
NCPના નેતા શરદ પવારે કહ્યું કે બધા 162 ધારાસભ્યો તેમની સાથે છે. એટલે અજિત પવારને કોઈ પ્રકારનું વ્હિપ જાહેર કરવાનો અધિકાર નથી. 
 
પવારે કહ્યું, "મહારાષ્ટ્ર ગોવા કે મણિપુર નથી, અમે તેમને પાઠ ભણાવીશું."
 
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ- કૉંગ્રેસ અને શિવસેનાનું ગઠબંધન માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર દેશમાં પોતાની શક્તિનો અનુભવ કરાવવા માગે છે.
 
કૉંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું, "અમે માત્ર 162 જ નથી, પણ તેના કરતાં પણ વધારે છીએ."
 
"અમે બધી જ સરકારનો ભાગ બનીશું. હું સોનિયા ગાંધીનો ધન્યવાદ વ્યક્ત કરવા માગુ છું કે જેમણે ભાજપને રોકવા માટે ગઠબંધનને મંજૂરી આપી."
 
"હવે જરૂરી છે કે સરકાર બનાવવા માટે રાજ્યપાલ અમને આમંત્રણ આપે."
 
બીજી તરફ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને રાહત આપવા માટે 5380 કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી છે.
 
સુપ્રીમ કોર્ટથી માંડીને સંસદ સુધી
 
મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ, તેમાં રાજ્યપાલની ભૂમિકા અને બંધારણની કથિત અવહેલનાનો મુદ્દો મુંબઈથી માંડીને દિલ્હી સુધી દિવસ દરમિયાન ગુંજતો રહ્યો.
 
સુપ્રીમ કોર્ટે જ્યારે એ કહ્યું કે તે મંગળવારે નિર્ણય સંભળાવશે. સંસદમાં શિયાળુસત્ર ચાલી રહ્યું છે.
 
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા કરવામાં આવી છે.
 
વિપક્ષના નેતાઓએ તેની વિરુદ્ધ દેખાવ કર્યા હતા.
 
આ સિવાય શિવસેના તથા કૉંગ્રેસે 'બંધારણ દિવસ'ના અનુસંધાને રાષ્ટ્રપતિના પ્રસ્તાવિત ભાષણનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે.
 
કૉંગ્રેસના સાંસદોએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘટનાક્રમને ગેર-બંધારણીય ગણાવતા લોકસભામાં વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી સ્થગિત કરી દીધી.
 
આ જ રીતે રાજ્યસભામાં પણ કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ વિરોધ વ્યક્ત કરતા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, જેના લીધે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી.
 
હવે સૌની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટકેલી છે, જેની સંસદની અંદર તેમજ બહાર અસર જોવા મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર