સુપ્રીમમાં આવતીકાલે ફરી સુનાવણી, મહારાષ્ટ્રમાં સરકાર ટકશે?

રવિવાર, 24 નવેમ્બર 2019 (12:37 IST)
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસ પાસે મુખ્ય મંત્રી અને અજિત પવાર પાસે ઉપમુખ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
જે મામલે કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેના આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે.
જસ્ટિસ એન. વી. રમન, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠ સુનાવણી કરી રહી હતી.
આવતીકાલે સવારે સુનાવણી કરવાનું ખંડપીઠે જણાવ્યું છે. જોકે આજની સુનાવણી દરમિયાન અનેક વખત શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી દ્વારા ફ્લોર-ટેસ્ટ કાલે કરવાના આદેશ આપવાની માગ કરાઈ હતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસ પાસે મુખ્ય મંત્રી અને અજિત પવાર પાસે ઉપમુખ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
જુઓ કોણે શું દલીલ કરી :
મુકુલ રોહતગી (ભાજપના પક્ષે) - કેટલાક અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે જેમાં કાયદાકીય દખલગીરીને પણ સ્થાન મળતું નથી.
મુકુલ રોહતગીએ કહ્યું, "કોર્ટે આજે કોઈ આદેશ આપવાની જરૂર જ નથી. ગવર્નરના નિર્ણયમાં કંઈ જ ગેરકાયદેસર ન હતું."
"કોર્ટે ફ્લોર-ટેસ્ટ માટે કોઈ ઑર્ડર ન આપવો જોઈએ. અહીં હાજર ત્રણેય પાર્ટીના કોઈ મૂળભૂત અધિકાર નથી."
અભિષેક મનુ સિંઘવી (કૉંગ્રેસ-એનસીપીના પક્ષે) - માત્ર 42-43 બેઠકોના સમર્થન સાથે અજિત પવાર ઉપમુખ્ય મંત્રી કેવી રીતે બની શકે છે? આ લોકતંત્રની હત્યા છે.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, "7 વાગ્યે જાહેરાત કરવામાં આવી હતી કે અમે સરકાર રચવાનો દાવો કરી રહ્યા છીએ અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બનશે. તો શું તે સમયે ગવર્નર રાહ ન જોઈ શક્યા?"
અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું, "ગઈકાલે NCPએ ઘોષણા કરી હતી કે અજિત પવાર હવે પાર્ટીના વિધાયકદળના નેતા નથી. તો તેઓ ઉપમુખ્ય મંત્રી કેવી રીતે બની શકે છે જ્યારે તેમની પાસે તેમની જ પાર્ટીનો ટેકો નથી?"
તેમણે કહ્યું, "હંમેશાંથી સુપ્રીમ કોર્ટે તુરંત ફ્લોર-ટેસ્ટના આદેશ આપ્યા છે. પછી તે 1998માં ઉત્તર પ્રદેશમાં હોય કે વર્ષ 2018માં કર્ણાટકમાં હોય. જેનાથી શ્રેષ્ઠ વ્યક્તિ જીતી શકે. આ કેસમાં પણ આજે અથવા તો કાલે ફ્લોર-ટેસ્ટ થવો જોઈએ."
"એવુ કેવી રીતે બની શકે કે જે વ્યક્તિએ ગઈ કાલે શપથ લીધા અને બહુમતનો દાવો કરે છે, તેઓ આજે ફ્લોર-ટેસ્ટથી દૂર ભાગે છે?"
કપિલ સિબ્બલ (શિવસેનાના પક્ષે) - ગઈ કાલે સવારે 5.17 મિનિટે રાષ્ટ્રપતિશાસન હઠાવી દેવાયું, આઠ વાગ્યે બે લોકોએ મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રીના શપથ લીધા. પરંતુ દસ્તાવેજ શું અપાયા હતા?
કૉંગ્રેસ-NCP-શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી બદલ શિવસેનાના પક્ષમાં કપિલ સિબ્બલ કોર્ટમાં છે.
તેમણે કહ્યું, "કોર્ટે આજે જ ફ્લોર-ટેસ્ટના આદેશ આપવા જોઈએ. જો ભાજપ પાસે બહુમત છે, તો તેમને વિધાનસભામાં સાબિત કરવા દો. જો તેમની પાસે નથી તો અમને દાવો કરવા દો."
સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું, "રાજ્યમાં બહુમતનો આંકડો 145 બેઠક છે. ચૂંટણી પહેલા જે ગઠબંધન થયું હોય તેને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ ચૂંટણી પહેલા બનેલું ગઠબંધન તૂટી ગયું છે. હવે ચૂંટણી પછી બનેલું ગઠબંધન જ આધાર છે."
"મહારાષ્ટ્રના લોકોને સરકારની જરૂર છે. જો તેઓ કહે છે તો તેમણે બહુમત સાબિત કરવો જોઈએ. અમે જ્યારે કહીએ છીએ કે અમારી પાસે બહુમત છે તો અમે તેને સાબિત કરવા તૈયાર છીએ. અમે કાલે જ બહુમત સાબિત કરી શકીએ છીએ."
સુનાવણી પહેલાં રાઉતે શું કહ્યું?
ANI સાથેની વાતચીતમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું, "શરદ પવાર એક રાષ્ટ્રીય નેતા છે. જો ભાજપ સરકાર રચવાનો પ્રયાસ કરી રહ્યો હોય, તો એવું થશે જ નહીં."
"આ ભાજપ અને અજિત પવાર દ્વારા લેવામાં આવેલું ખોટું પગલું છે. કુલ 165 ધારાસભ્યો શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી સાથે છે."
તેમણે ઉમેર્યું, "અજિત પવારે આ ઉંમરે શરદ પવારની પીઠમાં ખંજર ભોકીને જીવનનું સૌથી ખોટું કામ કર્યું છે."
"અજિત પવાર ખોટા દસ્તાવેજો સાથે ગઈ કાલે રાજભવન પહોંચ્યા હતા અને ગવર્નરે તે દસ્તાવેજ સ્વીકારી લીધા હતા. આજે પણ જો ગવર્નર અમને બહુમત સાબિત કરવાનું કહે, તો અમે તે કરી શકીએ છીએ. અમારી પાસે 49 ધારાસભ્યોનું સમર્થન છે."
NCP નેતા નવાબ મલિકનું નિવેદન, "અજિત પવારે ભૂલ કરી છે. ગઈકાલથી તેમને સમજાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે, પરંતુ તેમના તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી. જો તેમને તેમની ભૂલ સમજાઈ જાય તો સારું રહેશે."
આ પહેલાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે ભાજપને સમર્થન આપી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો નિર્ણય કૉંગ્રેસ પાર્ટીનો નહીં પણ અજિત પવારનો અંગત નિર્ણય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર