દિલ્હી હાઈકોર્ટે મંગળવારે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીનઅરજી રદ કરી હતી, જે પછી સીબીઆઈની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી. આજે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે શકે છે. સીબીઆઈ અને ઈડીની ટીમો ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. જોકે, તેઓ મળી આવ્યા નહોતા.
સીબીઆઈએ ચિદમ્બરમના ઘરની બહાર નોટિસ લગાવી છે. તેઓ આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપી છે અને સીબીઆઈ તેની તપાસ કરી રહી છે. આ કેસમાં ધરપકડથી બચવા માટે ચિદમ્બરમે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સીબીઆઈ સિવાય ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં પી. ચિદમ્બરમના પુત્ર કાર્તી પણ સહઆરોપી છે. હાઈકોર્ટના ચુકાદા બાદથી જ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે સીબીઆઈ અને ઈડી દ્વારા પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવશે.
સુપ્રીમના શરણે ચિદમ્બરમ્
ચિદમ્બરમ્ પાસે સીબીઆઈ કે ઈડી દ્વારા ધરપકડથી બચવાનો એકમાત્ર રસ્તો સુપ્રીમ કોર્ટનો રહ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ હાઈકોર્ટના ચુકાદા સામે પી. ચિદમ્બરમ્ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. તેમના તરફથી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તથા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ બુધવારે સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલો રજૂ કરશે.