હાઉડી મોદી : કૉંગ્રેસે આરોપ કર્યો કે નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનો પ્રચાર કર્યો

સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (10:28 IST)
રવિવારે અમેરિકાના હ્યૂસ્ટનમાં આયોજિત 'હાઉડી મોદી' કાર્યક્રમને લઈને કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ આને ટ્રમ્પ માટે કરવામાં આવેલો ચૂંટણી પ્રચાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ ભારતની વિદેશનીતિનું ઉલ્લંઘન છે.
 
આનંદ શર્માએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ યાદ રાખવું જોઈએ કે તેઓ અમેરિકાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનીને નથી ગયા.હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિનું ભાષણ પોતાના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવવાની સાથેસાથે ખુદને ભારતીય-અમેરિકન સમુદાય સાથે જોડવા પર કેન્દ્રીત રહ્યું.
 
2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે.
 
વડા પ્રધાન મોદીએ શું કહ્યું?

કાર્યક્રમની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં વખાણ કર્યાં અને તેમને ભારતના સાચા મિત્ર ગણાવ્યા.

મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવતા અનેક વખત કહ્યું કે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને અમેરિકાના સંબંધો વધારે સુદૃઢ બન્યા છે.

આ દરમિયાન મોદીએ કહ્યું, "ભારતના લોકો ખૂબ સારી રીતે પોતાને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે જોડી શક્યા છે અને ઉમેદવાર ટ્રમ્પના શબ્દ અબકી બાર ટ્રમ્પ સરકાર પણ આપણે સ્પષ્ટ રીતે સમજ્યા હતા."

વાસ્તવમાં 2016માં અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ટ્રમ્પે એક વીડિયો જારી કર્યો હતો.

જેમાં તેમણે ભારતના લોકોને દિવાળીની શુભેચ્છાઓ આપી હતી. આ વીડિયોના અંતમાં તેમણે 'અબકી બાર ટ્રમ્પ સરકાર' શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ભારતમાં 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પક્ષે 'અબકી બાર મોદી સરકાર'નું સ્લોગન આપ્યું હતું અને તેની ચૂંટણીમાં જીત થઈ હતી.
 

હાઉડી મોદી કાર્યક્રમ ખતમ થયા બાદ કૉંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્રમ્પનો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

આનંદ શર્માએ લખ્યું, "વડા પ્રધાન જી, તમે બીજા દેશની ચૂંટણીઓમાં દખલગીરી ન કરવાની ભારતીય વિદેશનીતિના સ્થાપિત સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું છે. આ ભારતની લાંબાગાળાની કૂટનીતિનાં હિતો માટે અભૂતપૂર્વ ઝટકો છે."

 

બીજા ટ્વીટમાં તેઓ લખે છે, "અમેરિકા સાથે હંમેશાં આપણા સંબંધ રિપબ્લિકન અને ડેમૉક્રેટને લઈને એક સરખું વલણ ધરાવતા રહ્યા છે."

"ટ્રમ્પ માટે ખુલીને તમારા દ્વારા પ્રચાર કરવો ભારત અને અમેરિકા જેવા સાર્વભૌમ અને લોકશાહી ધરાવતા દેશોમાં તિરાડ પાડનારો છે. "

શર્માએ લખ્યું, "યાદ રાખો, તમે ભારતના વડા પ્રધાન તરીકે અમેરિકા ગયા છો નહીં કે અમેરિકાની ચૂંટણીના સ્ટાર પ્રચારક તરીકે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર