આ રાજ્યોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ કુદરતી નહીં, પણ માનવસર્જિત

ઇમરાન કુરેશી

સોમવાર, 19 ઑગસ્ટ 2019 (18:09 IST)
ભારતના દક્ષિણના રાજ્ય કેરળમાં ભારે અને અસામાન્ય વરસાદના આંકડા ચોંકાવનારા છે. રાજ્યમાં હજુ સુધીમાં વરસાદના કારણે 103 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે અને તેમાંથી ત્રીજા ભાગના લોકોનાં મૃત્યુ ભૂસ્ખલનથી થયાં છે.
 
તેમાં વધુ એક બાબત મહત્ત્વની છે, જે જગ્યાઓ પર ભૂસ્ખલન થયાં છે, ત્યાં ગ્રેનાઇટની ખાણો આવેલી છે. હજુ સુધી ગ્રૅનાઇટની ખાણો અને ભૂસ્ખલન વચ્ચે કોઈ સંબંધ પુરવાર થયો નથી, પરંતુ પર્યાવરણવિદો તેની પાછળ ખાણોને જવાબદાર માને છે. પરંતુ આ વખતે વાત આરોપોથી આગળ વધી ગઈ છે. કેરળ ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. ટી. વી. સંજીવે વર્ષ 2017માં એક શૈક્ષણિક અભ્યાસ માટે ગ્રૅનાઇટની ખાણો માપી હતી. આ વખતે તેમણે જમીન ધસી પડવાની જગ્યાઓ અને તેના કારણે થયેલાં મૃત્યુના આંકડા તૈયાર કર્યા છે.
 
આ સમગ્ર મામલામાં એક રસપ્રદ પાસું એ છે કે આ વખથે લગભગ 31 સ્થળોએ ભૂસ્ખલન થયું છે. માધવ ગાડગિલની અધ્યક્ષતા હેઠળની વેસ્ટર્ન ઘાટ ઇકૉલૉજી ઍક્સપર્ટ પૅનલ ઉપરાંત ડૉ. કે. કસ્તૂરીરંગનના અધ્યક્ષપદે રહેલી હાઈ લેવલ વર્કિંગ ગ્રૂપ સમિતિએ આમાંથી મોટાં ભાગનાં સ્થળોને સંવેદનશીલ ગણાવ્યાં છે. ત્યારે ધ્યાન આપવા જેવી બાબત એ પણ છે કે કસ્તૂરીરંગનની સમિતિની રચના જ એટલા માટે કરવી પડી કે ગાડગિલ પૅનલના રિપોર્ટની ટીકા થઈ રહી હતી.
 
પર્યાવરણ કાર્યકર્તાઓનું એક જૂથ માને છે કે વિકાસના નામ પર વેસ્ટર્ન ઘાટને લૂંટવામાં આવી રહ્યું છે. ગાડગિલ પૅનલનો રિપોર્ટ આ દલીલના પક્ષમાં હતો. ખાણોના મૅપિંગ અને જમીન ધસી પડવાના તાજા આંકડાથી એ સાબિત થયું કે જે સાત સ્થળો પર જમીન ધસી પડવાથી મૃત્યુ થયાં છે, એમાંથી ચાર સ્થળોને ગાડગિલ અને કસ્તૂરીરંગન પૅનલે પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ (ઇકૉલૉજિકલ સૅન્સિટિવ ઝોન એટલે કે ESZ) ગણાવ્યાં હતાં.
 
તેનો અર્થ થયો કે આ વિસ્તારમાં ખોદકામની મંજૂરી મળી શકે નહીં. 33 મૃત્યુમાંથી 24 આ ચાર જગ્યાએ થયાં છે. બાકીનાં મૃત્યુ જે વિસ્તારમાં થયાં છે તેને ગાડગિલ રિપોર્ટે સંવેદનશીલ ગણાવ્યા હતા, પરંતુ વાત માત્ર એટલી જ નથી. ગુમ થયેલા લોકોના આંકડાનું હજુ સાચું અનુમાન મળતું નથી. જોકે, હજુ સુધીમાં 59 લોકો ગુમ થયાની પુષ્ટિ થઈ છે. તેમાંથી મોટી સંખ્યામાં લોકો એ સંવેદનશીલ વિસ્તારમાં જ ગુમ થયા છે, જેની બંને રિપોર્ટમાં ચર્ચા છે.
 
ડૉ. સંજીવે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું,
 
"કેરળ ઊબડખાબડ પહાડી વિસ્તાર છે, જ્યારે કોઈ પહાડ ખસે છે તો તેના કારણે સમગ્ર વિસ્તારની હાઇડ્રૉલૉજી પર અસર થાય છે."
 
"પાણીની નહેરો બ્લૉક થઈ જાય છે. તેના કારણે બધું જ પાણી નજીકના વિસ્તારોમાં જવા લાગે છે."
 
"આવું થવાથી લાંબા ગાળે પહાડો સૂકા થઈ જાય છે અને પછી નષ્ટ થવા લાગે છે."
 
ગુજરાતી ફોટોગ્રાફરોએ કૅમેરામાં કેદ કરેલી અસામાન્ય ઘટનાઓ
 
આ માત્ર સાધારણ પહાડોના વિસ્તારની વાત નથી, ગ્રૅનાઇટના ખડકોવાળા વિસ્તારમાં એક પહાડ સાથે બીજા પહાડો જોડાયેલા હોય છે. તેથી જ્યારે એક પહાડ પર ખોદકામ માટે બ્લાસ્ટ કરવામાં આવે છે તો તેના કારણે તેની આસપાસના વિસ્તારો પણ ધ્રુજારી અનુભવે છે. સંજીવ જણાવે છે કે આ અસરથી 500 મિટરથી લઈને પાંચ કિલોમિટર સુધીની જમીન ધસી શકે છે.
 
તેઓ કહે છે, "આ ધ્રુજારી હીરાની ખાણોમાં સૌથી તીવ્ર ગતિથી ફેલાય છે. બીજા નંબર પર છે ગ્રૅનાઇટની ખાણો. આ ધ્રુજારી ઘણી વખત હવાથી પણ વધુ ઝડપથી ફેલાય છે."
 
ડૉ. સંજીવે વર્ષ 2017 માટે કરેલા અભ્યાસોમાં 5,924 ખાણો સામેલ કરી હતી, જે 0.02 હૅક્ટરથી 64.04 હૅક્ટરમાં ફેલાયેલી હતી. તેમાં અડધાથી વધુ 50.6 ટકા 0.02 હૅક્ટરથી 0.5 હૅક્ટરમાં ફેલાયેલી હતી, જ્યારે 35.7 ટકા ખાણોનો આકાર 0.5 હૅક્ટરથી 2 હૅક્ટર વચ્ચે હતો. જ્યારે 73 ખાણોનો આકાર 10 હૅક્ટરથી વધુ હતો. તેમાંથી મોટા ભાગની ખાણો કાયદેસર રીતે લાઇસન્સ લીધા બાદ ચાલતી હતી, જેનાથી રાજ્ય સરકારને લાઇસન્સ ફી અને રૉયલ્ટી તરીકે આવક પણ થતી હતી.
 
કૃષ્ણા નદી પર કાદવ
 
અસામાન્ય જલવાયુ (જેને માનવનિર્મિત જળસંકટ પણ કહી શકાય) ઝપટમાં આવનારું કેરળ એક માત્ર રાજ્ય નથી. દક્ષિણ પશ્ચિમ ચોમાસું અને ભારે વરસાદના કારણે સીધી રીતે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ અસર થઈ છે. આ બંને રાજ્યના મુખ્ય મંત્રીઓએ પોતાના કેટલાક જિલ્લાઓમાં પૂર આવવાને કારણે એકબીજા પર તીખાં નિવેદનો પણ કર્યાં છે. આ જિલ્લાઓમાં પૂર આવ્યું, કારણ કે મહારાષ્ટ્રમાંથી પસાર થતી કૃષ્ણા નદીનું પાણી ભયજનક સપાટી ઉપરથી વહી રહ્યું છે.
 
સંયોગ એવો છે કે બંને રાજ્યના મુખ્ય મંત્રી એક જ પક્ષ ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ તેમને હાલની સમસ્યા સાથે કોઈ લેવાદેવા નથી. છેલ્લા બે દાયકા દરમિયાન ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે બંને રાજ્યના કૉંગ્રેસી મુખ્ય મંત્રી પણ એકબીજા માટે તીખાં નિવેદનો આપતાં હતાં. તાજેતરમાં મહારાષ્ટ્રના સાંગલી, કોલ્હાપુર અને સતારા જિલ્લામાં પાણી ભરાતા કર્ણાટક ઉપર આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે ઉલમાટી નહેરમાં પાણી જવા દીધું નહીં.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર