12 વર્ષના બહાદુર કિશોરે ઍમ્બ્યુલન્સને પૂરમાં માર્ગ ચીંધ્યો

રવિવાર, 18 ઑગસ્ટ 2019 (14:53 IST)

કર્ણાટકના રાયચુર જિલ્લામાં રહેતા 12 વર્ષના વેંકટેશે એવું કામ કર્યું જે કરતા વયસ્કો પણ ગભરાતા હતા.

દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ છે, જેમાં કર્ણાટકનો પણ સમાવેશ થાય છે.

કર્ણાટકના રાયચુર જિલ્લાના દેવદુર્ગ તાલુકામાં પણ પૂર આવ્યું છે. અહીં 12 વર્ષના વેંકટેશે એક ઍમ્બ્યુલન્સને રસ્તો ચીંધ્યો જેમાં બે મૃતદેહ અને અમુક દર્દીઓ હતા.

વાત એવી છે કે અન્ય લોકોની જેમ વેંકટેશ પણ પૂલ પર ઊભીને પાણીની આવકને જોઈ રહ્યા હતા.

પાણીની ભારે આવકને કારણે ડ્રાઇવરે ઍમ્બ્યુલન્સ પૂલ જ પર રોકી દીધી.

છાતી સુધી પાણી

વેંકટેશે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ડ્રાઇવરને જળસ્તરનો અંદાજ નહોતો એટલે પાણીનું ઊંડાઈ માપવા હું પૂલ તરફ ભાગ્યો."

વેંકટેશ સરકારી શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે.

તેણે કહ્યું, "હું જેમજેમ આગળ વધતો ગયો તેમતેમ પાણી પણ વધતું ગયું. એક વખતે તો મારી છાતી સુધી પાણી પહોંચી ગયું હતું."

"ઍમ્બ્લુયલન્સ મારી પાછળ આવી રહી હતી. હું પૂલ વિશે જાણું છું કારણ કે હું એના પરથી થઈને જ શાળાએ જઉં છું."
 

માતાની પ્રતિક્રિયા

વેંકટેશના મોટાભાઈ ભીમરાયા હિરેરાયાનાકુમ્પીએ કહ્યું, "જ્યારે તે ઘરે આવ્યો તો મા તેના પર ગુસ્સે થઈ હતી. પરંતુ સ્થાનિક ચેનલોમાં જ્યારે વેંકટેશના સમાચાર દેખાયા ત્યારે તે રાજી થઈ ગઈ."

વેંકટેશના આ કામથી ખુશ થઈને શ્રમવિભાગના સચિવ મણિવન્નને મહિલા અને બાળ વિકાસમંત્રાલયના નિદેશકને વેંકટેશને 'બહાદુરી-પુરસ્કાર' એનાયત કરવા વાત કરી.

આ સિવાય સાર્વજનિક નિર્દેશવિભાગે સ્વાતંત્ર્યદિન વેંકટેશનું સન્માન પણ કર્યું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર