મુકેશ અંબાણીએ જાહેરાત કરી તે જિયોની ગીગા ફાઇબર ટૅક્નૉલૉજી શું છે?
સોમવાર, 12 ઑગસ્ટ 2019 (17:17 IST)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીએ સોમવારે 42મી એજીએમ એટલે કે વાર્ષિક જનરલ મીટિંગમાં જિયો ગીગા ફાઇબર ટૅક્નૉલૉજીની જાહેરાત કરી છે.
જિયો તેની આ સર્વિસ 5 સપ્ટેમ્બરના રોજ લૉન્ચ કરશે. એક વર્ષની રાહ બાદ અંતે આ સર્વિસ હવે શરૂ થશે.
મુકેશ અંબાણીની જાહેરાત મુજબ આ ટૅક્નૉલૉજીથી લોકોને એક સાથે જ અનેક પ્રકારની સેવા મળી રહેશે.
ફાઇબર ટૅક્નૉલૉજીની મદદથી તમે ઘરમાં જ ઇન્ટરનેટ, વાઇ-ફાઈ, ટીવી, ટેલિફોન વગેરે એક સાથે વાપરી શકશો એના માટે જુદાં જુદાં સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નહીં રહે.
શું છે ગીગા ટૅક્નૉલૉજી?
જિયો ગીગા ફાઇબર એ ફાઇબર ટુ ધ હોમ (FTTH) બ્રોડબેન્ડ સર્વિસ હશે. જે યૂઝર્સને ફિક્સ લાઇન દ્વારા સર્વિસ પૂરી પાડશે.
આ સર્વિસ હાઇ સ્પીડ ઇન્ટરનેટ તમારા ઘર સુધી પહોંચાડવા માટે ફાઇબર ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરશે.
હાઈ સ્પીડ ઇન્ટરનેટ ફાઇબર ઑપ્ટિકલની મદદથી પ્રકાશ દ્વારા ગતિ કરે છે.
ફાઇબર કૅબલ મેટલ કૅબલ કરતાં અલગ હોય છે, જેના કારણે તેના દ્વારા હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપી શકાય છે.
ડેટા મોકલવા માટે આ ટૅક્નૉલૉજીમાં કાચ અથવા પ્લાસ્ટિકના તારનો ઉપયોગ કરવામાં આવે છે.
ફાઇબર કૅબલમાં આવા અનેક કાચના તાર હોય છે જે ધાતુના કૅબલ કરતાં અનેકગણી ઝડપથી ડેટાને ટ્રાન્સમિટ કરે છે.
જિયો આવા ફાઇબર કૅબલ દ્વારા એક સાથે અનેક સેવાઓ આપશે, જેના દ્વારા ઘરમાં એક જ કનેક્શનથી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, ટીવી, લેન્ડલાઇન ફોન, સ્માર્ટ હોમની સુવિધા અને બીજી કેટલીક સર્વિસ મેળવી શકાશે.
ગીગા ફાઇબર ટૅક્નૉલૉજીથી શું ફરક પડશે?
હાલ વિવિધ સર્વિસ પ્રોવાઇડરના 4g ઇન્ટરનેટ ડેટામાં લગભગ 100kbps જેટલી સ્પીડ આવતી હોય છે.
આ પહેલાં કેટલાક દેશોમાં આ પ્રકારની વાયરલેસ ફાયબર ટૅક્નૉલૉજી શરૂ કરી ચૂક્યા છે. તેમજ ગૂગલ અને ઍરટેલ કંપનીઓ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવી ચૂકી છે.
આ ટૅક્નૉલૉજી દ્વારા હાઈ સ્પીડ ઇન્ટરનેટ મેળવી શકાશે, એટલે કે 4g કરતાં પણ અનેકગણું વધારે.
જેમ કે જિયો ગીગા ફાઇબર હેઠળ દરેક યૂઝર ઓછામાં ઓછી 100Mbpsની સ્પીડ મેળવી શકશે. આ સર્વિસમાં પ્લાન મુજબ દરેક યૂઝર્સને સ્પીડ મળશે.
100Mbps થી લઈને 1Gbps સુધીની સ્પીડ જિયો ગીગા ફાઇબરથી મળી શકશે.
જેનો અર્થ એ થયો કે જો તમે તમારા ફોનમાં ઓનલાઇન કોઈ ફિલ્મ કે વીડિયો જોતા હોવ તો બફરિંગની મુશ્કેલીથી છુટકારો મળશે.
જિયો ગીગા ફાઇબરથી ટીવી પર અલ્ટ્રા હાઈ ડેફિનેશન ઍન્ટરટેઇનમેન્ટ, વીડિયો કૉન્ફરન્સિંગ, વૉઇસ એક્ટિવેટેડ વર્ચ્યૂલ આસિસટન્ટ, વર્ચ્યૂલ રિયાલિટી ગેમિંગ, ડિજિટલ શોપિંગ અને બીજી કેટલીક સેવાઓ મળશે.
આ સાથે જ એક સેટઅપ બૉક્સ આપવામાં આવશે, જેના દ્વારા તમે મોબાઈલ, ટીવી અને લૅન્ડલાઇન ફોન સહીતનાં ઉપકરણો વાપરી શકશો.
આ અંગે સાયબર લૉના નિષ્ણાત વકીલ પવન દુગ્ગલે જણાવ્યું કે, આ ટૅક્નૉલૉજીથી લોકોને વધુ સ્પીડ મળશે અને ડિજિટલ સાધનોથી કામ વધુ સરળ બની જશે.
હાલ કરતાં લગભગ 50થી 60 ગણું વધુ ઝડપથી કામ થઈ શકશે. હાલ ભારતીયો વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તો તેમને હવે વધુ બૅન્ડવીથની જરૂર પડે છે. તેથી હવે તેમનું કામ વધુ સરળ થઈ જશે.
ફાઇબર ટુ હોમ ધ એટલે શું?
આ ડાયરેક્ટ ટુ ધ હોમ (DTH) જેવી જ એક પ્રકારની સુવિધા હશે, જોકે, ડીટીએચમાં વાયરલેસ કનેક્શન હોય છે.
જ્યારે ફાઇબર ટુ ધ હોમ (FTTH)માં ફાઇબર કૅબલ તમારા ઘર સુધી આવશે જેના દ્વારા તમામ સુવિધાઓ મળી શકશે.
એક દાવા પ્રમાણે કેટલાક ફાઇબર સર્વિસ પ્રોવાઇડર બિલ્ડિંગ કે મહોલ્લા સુધી ફાઇબર કૅબલ લાવે છે, જે બાદ ઘરોમાં ટ્રેડિશનલ કૅબલથી સર્વિસ આપવામાં આવે છે.
જેના કારણે ડેટાની પૂરતી સ્પીડ આવતી નથી અને સર્વિસનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકાતો નથી.
ફાઇબર ટુ ધ હોમ સર્વિસમાં ફાઇબર કૅબલને ઘર સુધી પહોંચાડવામાં આવશે. જેના કારણે ડેટાની સ્પીડ અનેકગણી વધી જશે.