જ્યારે એક છોકરીનાં ફોન પર ગુજરાતનાં શિક્ષકોએ 18 લાખ રૂપિયા કોરોના હૉસ્પિટલને દાન કર્યાં

ગુરુવાર, 13 મે 2021 (19:15 IST)
"મોડાસા સાર્વજનિક હૉસ્પિટલમાં ઓક્સિજન બેડ ન હોવાના કારણે એક છોકરીના પિતાને બીજી હૉસ્પિટસમાં શિફ્ટ કરવા માટે કહેવામાં આવ્યું. અમારા શિક્ષકને આ વાતની ખબર પડતાં તેમણે મને જાણ કરી અને અમે બધાએ ફાળો ઉધરાવી હૉસ્પિટલમાં બેડ અને બીજી સુવિધાઓ ઊભી કરવાનું નક્કી કર્યું."
 
"અરવલ્લી જિલ્લામાં 5500 પ્રાથમિક શિક્ષકો છે, જેમાંથી અમે 2000 શિક્ષકોનો સંપર્ક કરી શક્યાં હતાં. માત્ર 24 કલાકની અંદર અમે 18.45 લાખ રૂપિયાની રકમ ભેગી કરી."
 
"અમે આ રકમ હૉસ્પિટલમાં આપી જેનો ઉપયોગ કરીને કોરોના દરદીઓની સારવાર માટેનાં સાધનો વસાવવામાં આવ્યાં."
 
અરવલ્લી જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્મિતા પટેલના આ શબ્દો છે.
 
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થતા દરદીઓને ઓક્સિજન બેડ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. દરેક જિલ્લાની જેમ અરવલ્લી જિલ્લામાં પણ હૉસ્પિટલોમાં સુવિધા ઓછી પડી રહી છે.
 
જિલ્લાના ઘણા દરદીઓને સારવાર લેવા માટે બીજા શહેરમાં જવું પડે છે.
 
જ્યારે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને ખબર પડી કે મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં ઓક્સિજન બેડની અછતના કારણે કોરોના વાઇરસના દરદીઓને સારવાર મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે, ત્યારે શિક્ષકો મદદ માટે આગળ આવ્યા છે.
 
શિક્ષકોએ ફાળો ઉઘરાવી મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં બાઇપેપ, મલ્ટિવર્ક મૉનિટર, ઓક્સિજન પમ્પ, ફાઉલર બેડ સાથેની સુવિધાવાળા આઠ બેડ મુકાવ્યા, જેથી જરૂરિયાતમંદને સારવાર મળી શકે.
 
સાર્વજનિક હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ પટેલે બીબીસીને જણાવ્યું કે હૉસ્પિટલમાં 16 આઈસીયુ બેડ છે પરંતુ દરદીઓની સંખ્યામાં વધારો થતા બેડની અછત ઊભી થઈ હતી.
 
"જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓએ અમને જણાવ્યું કે તેઓ હૉસ્પિટલમાં બેડ વધારવા માટે નાણાકીય મદદ કરવા માગે છે ત્યારે અમને સુખદ આશ્ચર્ય થયું હતું. આ કપરા સમયમાં પ્રાથમિક શિક્ષકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે."
 
અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને કોરોના દરદીઓની ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
 
મેઘરજ તાલુકાના ઈસરી ગામમાં રહેતી એક છોકરીને કાઉન્સેલિંગ કરવા માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષકે ફોન કર્યો હતો.
 
કાઉન્સેલિંગ દરમિયાન છોકરીએ કહ્યું કે મારા પિતાને મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમનું ઓક્સિજન લેવલ સતત ઘટતા હૉસ્પિટલના ડૉક્ટરઓએ તેમને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવા માટે કહ્યું છે.
 
સ્મિતા પટેલે બીબીસીને જણાવ્યું કે, "છોકરીની વાત શિક્ષકને સ્પર્શી ગઈ અને તેમણે આવીને મારી સાથે વાત કરી. અમે સાર્વજનિક હૉસ્પિટલનો સંપર્ક કર્યો તો ત્યાં હાજર અધિકારીએ કહ્યું કે તેમની પાસે જગ્યા તો છે પરંતુ બેડ અને બીજી સુવિધાઓ ઊભી કરવા માટે પૈસા નથી."
 
"ત્યારબાદ અમે હૉસ્પિટલને નાણાકીય મદદ કરવાનું નક્કી કર્યું અને અમારા શિક્ષકોને ફાળો આપવા માટે સંપર્ક કર્યો. અમે 2000 શિક્ષકોને સંપર્ક કરી શક્યા અને રકમ આપવા માટે જણાવ્યું. શિક્ષકોએ પણ શક્ય એટલી મદદ કરી."
 
"અમે આ રકમ સાર્વજનિક હૉસ્પિટલ ટ્રસ્ટને આપી અને હૉસ્પિટલના અધિકારીઓએ તે રકમનો ઉપયોગ કરીને સારવાર માટેનાં સાધનો વસાવ્યાં."
 
સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ પટેલ કહે છે, "હૉસ્પિટલમાં સુવિધાઓ વધારવા માટે જિલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ.) સાથે વાત કરી હતી. અમે બજેટ રિલીઝ થાય તે માટે રાહ જોઈ રહ્યા હતા અને શિક્ષકોએ આગળ આવીને મદદ કરી, જે ખરેખર બહુ આનંદની વાત છે."
 
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ માત્ર 2000 શિક્ષકોનો સંપર્ક કરી શક્યા પરંતુ દરેક શિક્ષકે આ ભગીરથ કાર્યમાં પોતાના ફાળો આપ્યો છે. શિક્ષકોએ 500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો ફાળો આપ્યો છે.
 
માલપુર તાલુકાના ભૂતા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં લતાબહેન પટેલે પણ 10,000નો ફાળો આપ્યો છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં લતાબહેન કહે છે, "જ્યારે મને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીથી ફોન આવ્યો અને મને ફાળો માટેના કારણ વિશે જણાવ્યું ત્યારે મેં નક્કી કરી લીધું કે 10,000 રૂપિયાનું દાન કરીશ. પતિએ પણ મારા આ નિર્ણયને વધાવી લીધો અને મને વહેલી તકે પૈસા જમા કરાવવા માટે જણાવ્યું."
 
તેઓ વધુમાં કહે છે, "એક શિક્ષક તરીકે મારી ફરજ છે કે હું સમાજ માટે કંઈક કરું. મેં જે ફાળો આપ્યો છે તેનાથી ઘણા લોકોને લાભ થશે. દંપતી તરીકે અમે નક્કી કર્યું છે કે અમારી આવકની 10 ટકા રકમ અમે દાન કરીશું અને મને આનંદ છે કે મને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો."
 
લતાબહેને ભૂતા પ્રાથમિક શાળાના મકાનના રિનોવેશન માટે પણ નાણાકીય મદદ કરી છે.
 
અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી અનુસાર મેઘરજ તાલુકાના શિક્ષકોએ સૌથી વધુ 5,26,000નો ફાળો આપ્યો છે.
 
મોડાસા તાલુકાના શિક્ષકોએ 4,31,000 ભિલોડા તાલુકાના શિક્ષકોએ 2 લાખ, માલપુર તાલુકાના શિક્ષકોએ 1 લાખ 30 હજાર, બાયડ તાલુકાના શિક્ષકોએ 1 લાખ 25 હજાર અને ધનસુરા તાલુકાના શિક્ષકોએ 1 લાખ 10 હજારનો ફાળો આપ્યો છે.
 
જિલ્લા શિક્ષણ સમિતિએ 30 હજાર રૂપિયાનો ફાળો આપ્યો છે.
 
સ્મિતા પટેલ કહે છે, "હાલમાં શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે એટલે ઘણા શિક્ષકોનો અમે સંપર્ક કરી શક્યા નથી નહીંતર અમે હજુ વધારે રકમ ભેગી કરી શક્યા હોત. અમને હજુ પણ શિક્ષકોના ફોન આવે છે અને પૂછે કે તેઓ ફાળો આપી શકે કે કેમ."
 
"અમે શિક્ષકોને જણાવીએ છીએ કે જો જરૂર જણાશે તો જરૂર તમને ફાળો આપવા માટે આપીશું. અમારા શિક્ષકો હજુ પણ ફાળો આપવા માટે તૈયાર છે, જે અમારા માટે બહુ ગૌરવની વાત છે."
 
તેઓ વધુમાં જણાવે છે કે, "અમને એ વાતનો સંતોષ છે કે જ્યારે ખરા સમયે હૉસ્પિટલને મદદની જરૂર હતી ત્યારે અમે મદદરૂપ થઈ શક્યા. જો જરૂર જણાશે તો અમે ફરીથી હૉસ્પિટલને નાણાકીય મદદ કરીશું."
 
અહેવાલમાં એપ્રિલ 26થી 2 મે અને 3થી 9 મે વચ્ચે કેસ અને મૃત્યુના આંકડાની સરખામણી કરવામાં આવી છે, જે અનુસાર અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં 37 ટકાનો વધારો થયો છે.
 
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણની સત્તાવાર યાદી મુજબ 1-10 મે વચ્ચે અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસના 1257 કેસ સામે આવ્યા છે અને 9 દરદીનાં મૃત્યુ થયાં છે.
 
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર સોમવારે ગુજરાત સરકારે હાઈકોર્ટમા એફિડેવિટ ફાઈલ કરીને જણાવ્યું કે અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ગીર સોમનાથ અને રાજકોટમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હૉસ્પિટલોમાં 90-92 બેડ ભરાયેલા છે.
 
જો ગુજરાતની વાત કરીએ તો આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા સોમવાર સાંજે બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 12,206 નવા કેસ નોંધાયા છે અને 121 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 8511 પર પહોંચી ગયો છે.
 
રાજ્યમાં સૌથી વધુ 19 મૃત્યુ અમદાવાદ (કૉર્પોરેશન)માં નોંધાયાં છે, જ્યારે સુરત (કૉર્પોરેશન)માં 8 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
ઍક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ 1361586 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 792 દર્દી વૅન્ટિલેટર પર છે, જ્યારે 135366 દર્દીઓની હાલત સ્થિર છે.
 
રાજ્યમાં કુલ 5,47,063 દર્દી એવા છે, જેઓ સાજા થઈ ચૂક્યા છે. અખબારી યાદી મુજબ રાજ્યનો રિકવરી રેટ 79.11 ટકા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર