વડોદરાના કમલ રાણાએ 63 ફૂટ લાંબુ ફાયર પેન્ટિંગ બનાવ્યું

ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (14:01 IST)
ફાયર પેન્ટિંગ વડે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર વડોદરાના આર્ટિસ્ટ કમલ રાણાએ ગિનેસ રેકોર્ડ માટે 63 ફૂટ લાંબુ અને 7 ફૂટ ઊંચુ ફાયર પેન્ટિંગ બનાવ્યું છે. વર્લ્ડ ક્રિકેટ ટાઇટલનાં આ પેન્ટિંગમાં તેમણે વિવિધ દેશોના ક્રિકેટર્સની બેટિંગ અને બોલિંગની ખાસ સ્ટાઇલ દર્શાવી છે. તેમના દાવા મુજબ આ દુનિયાનું સૌથી લાંબુ ફાયર પેન્ટિંગ છે. આ પેઇન્ટિંગને આગામી મહિને વડોદરામાં પ્રર્દિશત કરવામાં આવશે. આ પેન્ટિંગ ભારતના ક્રિકેટ સ્ટેડિયમમાં મૂકવામાં આવે તેવી તેમની ઇચ્છા છે.

વડોદરાના આર્ટિસ્ટ કમલ રાણા આગની જ્વાળાથી ફાયર પેન્ટિંગ બનાવવામાં માહેર છે. તેમણે સંદેશ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘તેમને આ અનોખો વિચાર બાળપણમાં શિયાળાની તાપણી કરતાં કરતાં બળેલી વસ્તુઓને જોઈને આવ્યો હતો. ત્યારબાદ મે બળેલી વસ્તુઓથી અવનવી ફાયર પેન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી.’ ફાયર પેન્ટિંગ બનાવતી વખતે વિવિધ કેમિકલનો ઉપયોગ કરે છે અને તેના પર આગ લગાવે છે.
તેમણે વધુ જણાવતાં કહ્યું કે, આ ફાયર પેઇન્ટિંગને ભારતના અથવા વિદેશના કોઇ સારા સ્ટેડિયમમાં કાયમ માટે મૂકવાની ઇચ્છા છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સ્ટેડિયમમાં આ ચિત્ર લગાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. પરંતુ, મારી ઇચ્છા ભારતના કોઇ સ્ટેડિયમમાં મૂકવાની વધુ છે. આ ફાયર પેઇન્ટિંગને ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ તેમજ એશિયા બૂક ઓફ રેકર્ડમાં રજૂ કરવામાં આવશે. આ ચિત્રને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ચિત્ર પ્રદર્શન માટે મુંબઇમાં જહાંગીર આર્ટ ગેલેરી, અમદાવાદમાં માર્વેલ આર્ટ ગેલેરી, સૂરત, દિલ્હી, કોલકાત્તા, ચંડીગઢ વિગેરે શહેરોમાં રજૂ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો