અમદાવાદમાં દલિત મહિલાને મંદિરમાં નહીં પ્રવેશવા દેવાતા પોલીસ ફરિયાદ
ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (13:17 IST)
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શ્રીકૃષ્ણ ટાવરમાં રહેતી દલિત મહિલાને ફ્લેટમાં આવેલા અંબે માતાના મંદિરમાં પ્રવેશવાને લઇ વિવાદ સામે આવ્યો છે. મહિલા જયારે મંદિરમાં જાય ત્યારે ફ્લેટમાં રહેતા રમીલાબેન શાહ જાતિગત ભેદભાવ રાખી ફ્લેટના સિક્યુરિટીને કહી મહિલાને બહાર કાઢી મૂકે છે. દર્શન માટે જયારે જાય ત્યારે મંદિરમાં પાછળ પાછળ આવે છે. જેથી મહિલાએ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રમીલાબેન શાહ અને સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણનગરમાં આવેલા શ્રીકૃષ્ણ ટાવરમાં રહેતાં નયનાબેન નરોડા ST વર્કશોપમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. 29 નવેમ્બરના રોજ નયનાબેન રાતે મંદિરમાં દર્શન કરવા માટે ગયા ત્યારે ફ્લેટમાં જ રહેતા રમીલાબેન શાહ સિક્યુરીટી ગાર્ડને બોલવા લાગ્યા હતા કે કેમ માતાજીને મંદિરમાં પોઢાડયાં નથી. મંદિરમાં જે હોય તેને કો બહાર નીકળી જાય. મંદિર બંધ કરી દો. માયનાબેન જયારે પણ મંદિરમાં જતા તેઓને બહાર કાઢી મુકવામાં આવતા હતા. બીજા દિવસે નયનાબેનને ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ પ્રકાશભાઈએ રોકી અને ધમકાવ્યા હતા કે તમે કેમ મંદિરમાં આવ્યા હતા. રમીલાબેન મને બોલે છે. નયનાબેન અનુસૂચિત જાતિના હોવાના કારણે તેમની સાથે ભેદભાવ રાખી અને તેમને મંદિરમાં જતા રોકવામાં આવતા હતા. રમીલાબેન અને તેમનો પરિવાર કાયમ વિરોધ કરી અપમાનિત કરે છે. ફ્લેટના સિક્યુરિટી ગાર્ડને પણ ઘરની નીચે જ બેસાડી રાખે છે. સિક્યુરિટી ગાર્ડ નયનાબેન મંદિરમાં જાય ત્યારે પાછળ પાછળ આવે છે અને રમીલાબેનને ફોન કરી અને કહે છે જેથી રમીલાબેન અને તેમનો પરિવાર તરત જ પાછળ પાછળ મંદિરમાં આવી વિરોધ કરે છે. આ મામલે નયનાબેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જેને લઇ બે મહિના બાદ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.