પવિત્ર માસ - અધિક માસ

ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (11:54 IST)
આપણો દેશ ધર્મપ્રેમી દેશ છે. વર્ષભર અનેક ધર્મોના તહેવારોમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. પરંતુ અધિકમાસ એક એવો મહિનો છે જે દરમિયાન લોકો અધિક ભક્તિમય બની જાય છે. અધિક માસ આવતાંજ લોકો યાત્રા અને પવિત્ર નદીઓના સ્થળે વધું જતાં જોવા મળે છે. આ મહિનામાં દરેક ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ ભજન,કિર્તન, સત્સંગ અને મહાભારત,રામાયણ કે ભાગવતની કથાવાર્તાઓનું આયોજન કરવામાં આવે છે. 

આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ દુનિયાને બનાવનારા બ્રહ્માજીના પિતાને પુરુષોત્તમ કહેવાય છે.ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના અધ્યાયમાં કહ્યું છે કે " આ પૃથ્વી કોઈપણ આધાર વગર જમીન પર ભ્રમણ કરી રહી છે તે કેવી રીતે? આનો મતલબ છે મારું અસ્તિત્વ આ દુનિયામાં છે. હું આ સર્વનું સંચાલન કરું છું. આ દુનિયામાં બધા જીવોનો નાશ થાય છે પણ હું અમર છું. આ દુનિયાના બધાં પ્રાણીઓમાં હું છું. જે લોકોના મનમાં પૃથ્વી પરના પ્રત્યેક જીવો માટે પ્રેમભાવ છે, જે લોકો ઈર્ષા, દંભ, અને વેરભાવને ભૂલી નિષ્કામ બનીને ગરીબ અને અસહાયોની મદદ કરે છે તેઓ જ મારું પુરુષોત્તમ સ્વરુપ ઓળખી શકે છે "

આ મહિનામાં દાન પુણ્યનું અધિક મહત્વ છે. જે લોકો અધિકમાસમાં દાન-પુણ્ય કરે છે, ધાર્મિક કથાઓ,સત્સંગ અને ઈશ્વરની સેવામાં પોતાનો સમય વિતાવે છે, તેઓના પાછલાં બધાં પાપો ધોવાઈ જાય છે, અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગે લોકો એવું માને છે કે ભજન-કિર્તન, સત્સંગમાં તો ઘરડાં લોકો જ જાય છે,યુવાનોએ તો હમણાં ખાઈ પીને મોજ કરવાની હોય છે, વૃધ્ધાવસ્થામાં ઈશ્વરનું નામ લઈશું, પણ એવું નથી. ઈશ્વરની સર્વને હંમેશા જરુર પડે છે. 

તમે કોઈ મુસીબતમાં ફસાયા હોય તો સૌથી પહેલાં તમે કોને યાદ કરો છો? ઈશ્વરને જ ને? કારણ કે આપણા મુખેથી મુસીબતમાં આ જ શબ્દો નીકળે છે કે ' હે ઈશ્વર મને મદદ કરજે" અને આપણે કોઈ મુસીબતમાંથી બચી ગયા હોય તો પણ એવું જ કહીએ છે કે"આજે તો ઈશ્વરના કૃપાથી બચી ગયો" મતલબ દરેકના દિલમાં ક્યાંક તો ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા છે જ. તો પછે કેમ નહિ આ મહિનામાં ઈશ્વરની સેવા કરવાનું પુણ્ય કમાવી લઈએ. તેને માટે ખાસ મંદિરમા જવાની કે કલાકો સુધી ભજન કિર્તન કરવાની જરુર નથી. તમે કોઈ ગરીબની મદદ કરશો, કોઈ ભૂખ્યાને ભોજન આપશો તો પણ તમે ઈશ્વરની સેવા કરી કહેવાશે. તમે દિવસભર ભૂખ્યા રહીને ઈશ્વરનું ધ્યાન ઘરતાં રહ્યાં અને સાંજે કોઈ ભૂખ્યો માણસ કે પ્રાણી આવીને તમારા દરવાજે ઉભો હોય જેને તમે એક રોટલી પણ ન આપી શકો તો તમારો ઉપવાસ પણ વ્યર્થ છે કારણ તેને ઈશ્વર પણ નહિ કબૂલે.

ગુજરાતમાં આ માસમાં લોકો દાન પૂજન ખૂબ કરે છે. ધણાં લોકો અધિક માસમાં ખાસ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે. આમ, અધિકમાસને પવિત્રમાસ એટલા માટે જ કહ્યો છે જે દરમિયાન દરેક માનવ સારા કર્મો કરીને પવિત્ર થઈ જાય. તો ચાલો અધિકમાસને પૂરા થવાના જૂજ દિવસો જ બાકી છે તો આપણે પણ થોડું પુણ્ય કમાવી લઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર