વરાહ જયંતિ - ભગવાને પૃથ્વીને બચાવવા માટે લીધુ હતુ વરાહનું સ્વરૂપ

ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (00:29 IST)
ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ વરાહ જયંતિ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષ નામના દૈત્યને માર્યો હતો. વરાહ જયંતિ 9 સપ્ટેમ્બર, ગુરુવારે છે. આ અવસરે સુખ-સમૃદ્ધિની કામના સાથે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા સાથે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે. સાથે જ, વિષ્ણુ મંદિરોમાં ભજન-કીર્તન પણ કરવામાં આવે છે.
 
જ્યારે પ્રલયના લીધે આખી પૃથ્વી પાણીમાં ડુબી ગઈ હતી ત્યારે ભગવાને પૃથ્વીને બચાવવા માટે વરાહનું સ્વરૂપ લીધું હતું. કહેવાય છે કે એક દિવસ સ્વયંભુ મનુએ હાથ જોડીને પોતાના પિતા બ્રહ્માજીને કહ્યું 'એકમાત્ર તમે જ બધા જીવોના જન્મદાતા છો' તમે જીવીકા પ્રદાન કરનાર પણ છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમે તેવુ કયુ કામ કરીએ જેના લીધે તમારી સેવા મેળવી શકીએ. અમને સેવા કરવાની આજ્ઞા આપો. મનુની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે- 'પુત્ર! તારૂ કલ્યાણ થાય'. હુ તારાથી પ્રસન્ન થયો છું કેમકે તે મારી પાસેથી આજ્ઞા માંગી છે અને આત્મસમર્પણ કર્યું છે. પુત્રોએ પોતાના પિતાની આ જ રૂપમાં પૂજા કરવી જોઈએ. પોતાની પિતાની આજ્ઞાનું આદરપુર્વક પાલન કરવું જોઈએ. યજ્ઞો દ્વારા શ્રીહરીની આરાધના કરો. પ્રજાપાલનથી મારી ઘણી સેવા થશે. આ સાંભળીને મનુ બોલ્યા- 'પૂજ્યપાદ! હું તમારી આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ પરંતુ અત્યારે પૃથ્વી પ્રલયજળમાં ડુબેલી છે તો પૃથ્વી પરના જીવોને હું કેવી રીતે બચાવું?'
 
પૃથ્વીની આવી હાલત જોઈને બ્રહ્માજી ખુબ જ ચિંતામાં પડી ગયાં અને તેઓ પૃથ્વીના ઉદ્ધાર વિશે વિચારવા લાગ્યા તેવામાં તેમના નાકમાંથી અચાનક અંગુઠા આકારનો એક વરાહ શિશું નીકળ્યો અને તે જોત જોતામાં જ પર્વતાકારનો થઈને ગરજવા લાગ્યો. બ્રહ્માજીને ભગવાનની આ માયાને સમજતાં જરા પણ વાર ન લાગી. તે જ ક્ષણે તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા.
 
બ્રહ્માજીની સ્તુતિથી વરાહ ભગવાન પ્રસન્ન થયા અને તેઓ પૃથ્વી કલ્યાણ માટે જળમાં ઘુસી ગયાં. થોડીક જ વારમાં તેઓ પ્રલયમાં ડુબી ગયેલી પૃથ્વીને પોતાના દાંત પર લઈને જળમાંથી ઉપર આવ્યાં. તેમના માર્ગમાં અવરોધ નાંખવા માટે હિરણ્યાક્ષે જળમાં જ તેમની પર ગદાના પ્રહાર કરવાન ચાલુ કરી દિધા. તેથી તેમનો ક્રોધ ચક્ર સમાન થઈ ગયો અને હિરણ્યાક્ષને તેમને ત્યાં જ મારી નાંખ્યો.
 
જળમાંથી બહાર આવેલા ભગવાનને જોઈને બધા જ દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. તેનાથી પ્રસન્ન થઈને વરાહ ભગવાને પાણીને રોકીને પૃથ્વીને સ્થાપિત કરી દિધી.
 
હિરણ્ય એટલે સ્વર્ણ(સોનું) અને અક્ષ એટલે આંખ. તેનો અર્થ છે કે જેમની આંખ હંમેશાં અન્ય લોકોના ધન ઉપર રહે છે, તે હિરણ્યાક્ષ છે. આ નામનો દૈત્ય પણ એવો જ હતો. તેને સંપૂર્ણ પૃથ્વી ઉપર રાજ કરીને, તેને જીતવા માટે લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું. સંતોને પરેશાન કરવા લાગ્યો હતો. આ દૈત્યનો નાશ કરવા માટે જ ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર