પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.