જુનિયર ડોક્ટરોની હડતાળ

વેબ દુનિયા

મંગળવાર, 3 માર્ચ 2009 (11:59 IST)
રાજ્યની સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ જુનિયર ડોક્ટરો સ્ટાઇપેન્ડના મુદ્દે રવિવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી જતાં આરોગ્ય સેવાઓ ખોરવાઇ ગઇ છે. બે દિવસથી રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવાયા છે. બીજી તરફ ઓપીડીમાં પણ ડોક્ટરો ન હોવાને કારણે રોજેરોજ સારવારઅર્થે આવતા હજારો ગરીબ દર્દીઓને ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી છે.

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સોમવારે બપોર સુધી જુનિયર ડોક્ટરોની ઓપરેશન થિયેટર બંધ રહ્યાં હતાં. બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓને હાલાકી ન પડે તે માટે સરકારે પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને તાકીદે સરકારી હોસ્પિટલોમાં ફરજ સોંપી છે.

રાજ્યના અંદાજે ૧૮૦૦થી ૨૦૦૦ જુનિયર ડોક્ટરો બે દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી ગયા છે. જેના કારણે સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઇ ગઇ છે. આજે રાજ્યની મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં ઓપીડીમાં ડોક્ટરો પૂરતા પ્રમાણમાં ન હોવાથી હજારો દર્દીઓએ નિસાસા નાખી પરત ફરવું પડયું હતું. શહેરની વીએસ, સિવિલ, શારદાબેન, એલજી વગેરે હોસ્પિટલોમાં પણ રેસિડેન્ટ ડોક્ટરો ન હોવાથી રોજ કરતાં અડધા ઓપરેશન જ થયાં હતાં

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. પરિણામે દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવું પડે છે. જેથી છેલ્લા બે દિવસથી શહેરની ખાનગી હોસ્પિટલોને બખ્ખાં થઇ ગયાં છે. એમાંય ખાસ કરીને સરકારી હોસ્પિટલોની આસપાસ આવેલી હોસ્પિટલોમાં દર્દીઓનો એટલો બધો ભરાવો થઇ ગયો છે કે ઘણી હોસ્પિટલો તો દર્દીઓને લેવાનો રીતસર ઇનકાર કરી રહી છે.

ડોક્ટરોની હડતાળને કારણે મોટા ભાગની સરકારી હોસ્પિટલોના ઓપરેશન થિયેટરો બંધ રહ્યાં હતાં. જેઓને આજે ઓપરેશનની તારીખ અપાઇ હતી તે પણ કેન્સલ કરવામાં આવી હતી. બાજુ ઘણી સરકારી હોસ્પિટલોએ ઇમરજન્સીમાં પેશન્ટોને લેવાને બદલે ખાનગી હોસ્પિટલોમાં જવા ફરજ પાડી હોવાની પણ ફરિયાદો ઊઠી હતી.

વેબદુનિયા પર વાંચો