દારુના નિવેદનથી અશોક ગેહલોતે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું હવે ગુજરાતમાંથી આટલો દારુ પકડાયો
સોમવાર, 9 ડિસેમ્બર 2019 (17:04 IST)
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સમયાંતરે રાજ્યમાં વિવિધ જગ્યાએથી દારૂનો જથ્થો પકડાવાના જે આંકડા સામે આવતા રહે છે તેના પરથી રાજ્યમાં કહેવાતી દારૂબંધી હોય તેવું દ્રશ્ય ઉભું થાય છે. આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર મળ્યું છે ત્યારે ખુદ સરકારે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દારૂનો અધધ...252 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હોવાનું કબૂલ કર્યું છે. બીજી તરફ બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી 11,831કિલોગ્રામ ગાંજો પકડાયાનું પણ સરકારે કબૂલ કર્યું છે. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 252 કરોડ 32લાખ 52 હજાર અને 714 રૂપિયાનો દારૂ પકડાયો છે. જેમાંથી દેશી દારૂનો સૌથી વધારે જથ્થો રાજકોટમાંથી પકડાયો છે. જ્યારે સુરત શહેરમાંથી સૌથી વધારે વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 11,831 કિલો ગાંજો પકડાયો છે. જેમાં સૌથી વધારે ગાંજો સુરત શહેરમાં 3534 કિલો કબજે કરાયો છે. પાટણથી 2462 કિલો તો આણંદથી 2225 કિલો ગાંજો પોલીસે કબજે કર્યો છે. બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી 69.60 કિલોગ્રામ ચરસ તેમજ 3236 કિલોગ્રામ અફીણ પણ પકડાયું છે. કિંમત પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે કિંમતનો વિદેશ દારૂ જપ્ત કરાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ઝડપાયેલા દારૂની કિંમત આશરે 25 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. જ્યારે બીજા ક્રમે બનાસકાંઠા જિલ્લો આવે છે. બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા દારૂની કિંમત આશરે 22 કરોડ રૂપિયા જેવી થાય છે. જ્યારે ડાંગ જિલ્લામાં સૌથી ઓછી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. ડાંગમાંથી છેલ્લા બે વર્ષમાં આશરે 58 લાખનો કિંમતનો દારૂ પકડાયો છે.