ક્રિકેટપ્રેમીઓ માટે ખુશીના સમાચાર: ગુજરાતીઓને ક્રિકેટના પાઠ ભણાવશે મહેન્દ્ર સિંહ ધોની

ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (20:26 IST)
અમદાવાદ( Ahmedabad) માં 8 ફેબ્રુઆરીથી MS ધોની (MS Dhoni )ક્રિકેટ એકેડમીની શરૂઆત થવા જઈ રહી છે જેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. ક્રિકેટ જગતમાં કારકિર્દી બનાવવા માગતા 7 વર્ષથી 19 વર્ષ સુધીના યુવાનો માટે MS ધોની ક્રિકેટ એકેડમી તરફથી તાલીમ પ્રદાન કરવામાં આવશે. આ એકેડમીમાં પૂર્વ ભારતીય કેપટન મહેન્દ્રસિંહ ધોની પણ સમયાંતરે મુલાકાત લઈ યુવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ સિવાય કેટલાક અન્ય પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પણ આ એકેડમીના માધ્યમથી યુવાને માર્ગદર્શન આપશે..
આર્કા સ્પોર્ટ્સ અને શ્રી એન્ટરપ્રાઇઝના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં એમએસ ધોની ક્રિકેટ એકેડમીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અમદાવાદના GMDC મેદાનમાં MS ધોની ક્રિકેટ એકેડમી તૈયાર થઈ રહી છે. ઇચ્છુક યુવાનો આ એકેડમીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે, જેના માટે 6500 રૂપિયા રજિસ્ટ્રેશન ફિસ તરીકે ભરવાના રહેશે. જેમાં ક્રિકેટ કીટ, ડ્રેસ સહિતની સામગ્રીઓ આપવામાં આવશે. ત્યારબાદ આ એકેડમીમાં ટ્રેનિંગ માટે 3 મહિના પેટે 10,000 રૂપિયા, 6 મહિના માટે 20,000 રૂપિયા જ્યારે 1 વર્ષ માટે 36,000 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે. અઠવાડિયાના 6 દિવસ આ એકેડમીમાં યુવાનોને ક્રિકેટને લાગતું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
 
MS ધોની ક્રિકેટ એકેડમી અંગે વાત કરતા આર્કા સ્પોર્ટ્સના મિહિર દિવાકર એ જણાવ્યું હતું કે “એમએસડીસીએનો મુખ્ય ઉદ્દેશ્ય માળખાકીય પ્રોગ્રામ દ્વારા દેશમાં ઉભરતાં ક્રિકેટર્સને પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે, જે દ્વારા તેમના કૌશલ્યોને સજ્જ કરીને ક્રિકેટ અને જીવન બંન્નેમાં સફળતા માટે બળ આપી શકાય. અમારો વિશિષ્ટ કોચિંગ પ્રોગ્રામ ઇન્ટિગ્રિટી, ટીમવર્ક, એન્જોયમેન્ટ, પ્રોફેશ્નાલિઝમ અને એડપ્ટિબિલિટી એમ એમ.એસ. ધોનીના જીવનના મુખ્ય મૂલ્યો આધારિત છે. આ લર્નિંગ પ્રોગ્રામ યુવા વયે બેઝિક શીખવવામાં મદદરૂપ બનશે. અહીં બાળકો મોર્ડન ક્રિકેટના વિવિધ ફોર્મેટ્સને સરળતાથી અપનાવીને સફળ બનવા જરૂરી કોચિંગ પ્રાપ્ત કરી શકશે.” ઉલ્લેખનીય છે કે મિહિર દિવાકરે પોતે વર્ષ 2014માં આર્કા સ્પોર્ટ્સની સ્થાપના કરી હતી, જે ભારત અને વિદેશોમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ કન્સલ્ટન્સી ઉપર કેન્દ્રિત છે. મિહિર દિવાકર પોતે પણ સ્પોર્ટ્સમેન છે. મીહિર વર્ષ 2000ની ભારતીય અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો હતાં. જેઓ હવે MS ધોની સાથે મળીને દેશભરના અલગ અલગ રાજ્યોમાં ક્રિકેટ એકેડમી ખોલીને યુવાનોને કારકિર્દી બનાવવા માટે તક આપી રહ્યા છે.
 
આ સિવાય આ એકેડમી શરૂ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શ્રીધર રેડ્ડીએ જણાવ્યું કે આ જોડાણ સાથે ગુજરાતના બાળકો એમએસડીસીએમાંથી અદ્યતન કોચિંગ ટેકનીક અને એક્રિડેટેડ  કોચ પાસેથી શીખવાની તક પ્રાપ્ત થશે. એમએસડીસીએ ખાતે કોચિંગમાં ગેમ સેન્સ અને પ્રેક્ટિકલ એક્ટિવિટી સામેલ છે, જેમાં માત્ર નેટમાં જ નહીં, પરંતુ મેચ દરમિયાન ખેલાડીના પર્ફોમ કરવાની ક્ષમતા વિકસાવવા ઉપર વિશેષ ધ્યાન અપાશે. એમએસડીસીએ ક્રિકેટ કોચિંગ પ્રોગ્રામ અંતર્ગત તેજસ્વી ક્રિકેટર્સના વિકાસની મહત્વતાને પ્રોત્સાહિત કરાશે તેમજ મજબૂત ટીમ વર્કની ક્ષમતા ધરાવતા, શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સક્રિય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ પ્રદર્શિત કરતાં ખેલાડીઓને પણ બળ અપાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર