કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રાખવા હૂકમ, મુખ્યમંત્રીએ બચાવ કામગીરી અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

બુધવાર, 14 જૂન 2023 (15:29 IST)
ગુજરાતના આ શહેરમાં કાલે લોકડાઉન!- સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા સહિત 9 ગામોની બજારો આવશ્યક વસ્તુઓ સિવાય 14 જૂને સાંજે 8 વાગ્યાથી 16 જૂને 6 વાગ્યા સુધી બંધ રાખવા કલેકટરે હુકમ કર્યો છે. જ્યારે દરિયાકિનારાની નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. બીજી તરફ ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
 
રાહત કમિશનર આલોક પાંડેએ સમીક્ષા બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે, સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17,739, જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47,113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 
 
અબડાસા તાલુકાના જખૌ પ્રાથમિક શાળા સેન્ટર હાઉસની S.P અને Dyspએ મુલાકાત લીધી હતી. કચ્છ અબડાસા વહીવટી તંત્ર દ્વારા આશીરાવાંઢ અને દરાડવાંઢ ગામના લોકોને જખૌ પ્રાથમિક શાળા સેન્ટર હાઉસમાં સ્થળાંતર કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા ભોજન-પાણીની વ્યવસ્થા, આરોગ્ય અને રહેઠાણની પૂરેપૂરી સગવડ કરવામાં આવી છે. જખૌ પ્રાથમિક શાળામાં હાલ 140 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યાં છે. લોકોની સુખાકારી માટે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર ખડે પગે છે. સેન્ટર હાઉસમાં જિલ્લાના અધિકારીઓ મુલાકાત લઇ તમામ વ્યવસ્થા કરી રહ્યા છે. હાલમાં કચ્છ જિલ્લા એસપી કરણરાજ વાઘેલા, અબડાસા CDPO, અબડાસા શિક્ષણ વિભાગના અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ સતત સંપર્કમાં રહી તમામ વ્યવસ્થા કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર