સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાને થોડા સમય પહેલાં એક તાંત્રિકનો ભેટો થયો હતો. આ તાંત્રિકે ઘરમાં લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે એવી લોભામણી વાતો કરીને મહિલાને લલચાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ડિંડોલીમાં રહેતી મહિલા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હતી. આ બાબતે તેણે પાડોશી મહિલાને વાત કરી હતી. પાડોશી મહિલા તેને એક તાંત્રિક અહેમદનૂર પઠાણ પાસે લઈ ગઈ હતી. આ તાંત્રિકે વિધિ કરવાથી લક્ષ્મીજી ઘરમાં પધારશે, રૂપિયાનો વરસાદ થશે એવા દાવા કર્યા હતા. દરમિયાન એક અઠવાડિયા પહેલાં તાંત્રિક અહેમદનૂર પઠાણ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તાંત્રિક વિધિના નામે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
તાંત્રિકે ખોટી વાતોમાં ફસાવી તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનું ભાન મહિલાને થતાં તેને પરિવારજનોને વાત કરી હતી.પરિવારજનોની મદદથી મહિલાએ તારીખ 29/12/2023ના રોજ તાંત્રિક દ્વારા દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ આપતા ડિંડોલી પોલીસે ફરિયાદ રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી આધારે લિંબાયત વિસ્તારમાંથી આરોપી તાંત્રિક અહેમદનૂર અલ્લાનૂર પઠાણને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી હતી.ડીસીપી ભગીરથ સિંહ ગઢવીએ જણાવ્યું કે ભોગ બનનાર મહિલા તેના પાડોશમાં રહેતી એક મહિલાના સંપર્કમાં આવી હતી અને તેના થકી આ તાંત્રિક વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ તાંત્રિક સાથે સંપર્કમાં આવતાં તાંત્રિકે તેની સાથે વિધિ કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાને બંધ રૂમમાં બોલાવીને અત્તર છાંટ્યું હતું. રૂમમાં વિધિ કરવાના નામે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ બાબતની ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.