suicide sitting in a rickshaw
ગુજરાતમાં સામુહિક આપઘાતના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી હતી. ત્રણેય વ્યક્તિઓના મૃતદેહો કબજે કર્યા હતાં.પોલીસને મૃતક પાસેથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં આર્થિક તંગી અને બિમારીને કારણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મોબાઈલ અને રીક્ષા નંબરના આધારે તપાસ હાથ ઘરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં ભગવતીપરા પાસે સ્થિત રામપરા ગામે સરકારી ગૌચરની જમીનમાં CNG રિક્ષામાં બેભાન હાલતમાં એક મહિલા સહિત ત્રણ લોકો મૃત અવસ્થામાં હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે રિક્ષામાં લોકોને જોતા 108ને જાણ કરી હતી. જયાં 108ના સ્ટાફે ત્રણેયને તપાસી મૃત જાહેર કર્યા હતાં. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા મોબાઈલ અને રીક્ષા નંબરના આધારે તપાસ હાથ ઘરી છે.પોલીસને તપાસ દરમિયાન ત્રણેય મૃતકો રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા કાદરભાઈ મુકાસમ, તેની પત્ની ફરીદા મુકાસમ અને પુત્ર આસીફ મુકાસમ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પગલું આર્થિક તંગી અને બિમારીને કારણે ભર્યું
મૃતક કાદરભાઇ અલ્લીભાઇ મુકાસમ પોતે રીક્ષાચાલક છે. જ્યારે તેમના પુત્ર આસિફની ઉંમર 35 વર્ષ છે તેમજ પોલીસને તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જે પણ પોલીસે કબજે કરી હતી. આ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરાયો હતો કે, તેમણે આ પગલું આર્થિક તંગી અને બિમારીને કારણે ભર્યું છે.વધુ તપાસમાં રીક્ષા જસદણ તાલુકાના ટેટૂંકી ગામના સુરેશભાઈ સાકરીયા નામના યુવાનની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકના મોબાઈલ નંબરના આધારે તેના પરિવારજનોનો સંપર્ક કરતા તેઓ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. પોલીસે હાલ ત્રણેય મૃતકોનું પોસ્ટમોર્ટમ કરી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.