રાજકોટમાં રૂા.3.50 કરોડની મગફળી પલળી ગઈ, હવે કોઈ લેવાલ નથી
બુધવાર, 13 નવેમ્બર 2019 (12:58 IST)
ચાલુ વર્ષે કમોસમી વરસાદે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- ગુજરાતના હજારો ખેડુતોના મોઢે આવેલો કોળીયો છીનવી લીધો છે અને આ કમોસમી વરસાદે ઉભો પાક પણ વાળી દીધો છે. ત્યારે, હજુ પણ મેઘરાજાને સંતોષ ન થતો હોય તેમ દિવાળી બાદ પણ ઠેર ઠેર માવઠા સ્વરૂપે ખાબકવાનું ચાલુ રાખેલ છે. જેના કારણે ખેડૂતોને પડયા ઉપર પાટુ પડવા જેવો ઘાટ ઘડાયો છે. ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે સાંજે અચાનક જ રાજકોટ શહેરમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. આ ધોધમાર કમોસમી વરસાદે રાજકોટના બેડી યાર્ડમાં પડેલી કરોડો રૂપિયાની મગફળીનો સોથ વાળી દીધો હતો અને ખેડુતોની કફોડી હાલત કરી નાંખી હતી. રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે મગફળી વેંચવા આવેલા ખેડૂતોની ટન બંધ મગફળી યાર્ડમાં ખુલ્લામાં પડી હતી. ત્યાં સાંજે અચાનક જ વરસાદ તૂટી પડતા ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી અને પાણીમાં તરવા લાગી હતી. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગઈકાલે સાંજના રાજકોટમાં અચાનક જ વરસાદ પડતા શહેરના બેડી યાર્ડમાં પડેલી 22 હજાર ગુણી જેટલી મગફળીની દશા બગડી ગઈહતી અને રૂા.3.50 કરોડની કિંમતની મગફળી પલળી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટના બેડી યાર્ડમાં મોટાભાગનો માલ ખૂલ્લામાં પડયો હતો. જે પલળી જવા પામ્યો હતો. આ ઉપરાંત ગઈકાલે સાંજે પડેલા ધોધમાર વરસાદના પગલે યાર્ડમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, આ પાણીમાં ખુલ્લામાં પડેલી મગફળી સયિહતનો માલ તરવા લાગ્યો હતો. જેના કારણે ખેડૂતોની હાલત દયનિય બની જવા પામી હતી. દરમ્યાન આજરોજ સવારે વરસાદ થંભી જતા બેડી યાર્ડ ખાતે હરરાજી પૂન: શરૂ થવા પામી હતી. જો કે આ હરરાજીમાં પલળેલી મગફળીનું કોઈ વેપારી લેવાલ થયું ન હતું. આ પલળેલો માલ લેવાનો વેપારીઓએ સ્પષ્ટ ઈન્કાર કરી દેતા ખેડૂતોની હાલત ભારે દયનિય થઈ ગઈ હતી. મહા મહેનતે તૈયાર કરેલો માલ એક જ ઝાટકે પલળી જતા ખેડૂતો લાચારીની અવસ્થામાં આવી જવા પામ્યા હતા. દરમ્યાન ગઈકાલના વરસાદ દરમ્યાન જે ખેડૂતોનો માલ હજુ વાહનોમાં પડયો હતો અને સામાન્ય પલળેલો હતો તેવા માલને વેપારીઓએ હરરાજીમાં ખરીદ્યો હતો. જો કે મોટા ભાગનો ખુલ્લામાં પડેલો અને પલળી ગયેલો માલ વેંચાયા વિના પડી રહ્યો હતો.