સુરતમાં દશેરાએ વાહનોના શોરૂમ બહાર ચકલાં પણ ફરકતાં નથી! ગાડીઓનું વેચાણ મંદીમાં સપડાયું
બુધવાર, 9 ઑક્ટોબર 2019 (10:25 IST)
ગુજરાતમાં દશેરાએ આ વર્ષે ઓટોમોબાઇલ સેક્ટરમાં આવેલી મંદીને લઈને ગત વર્ષ કરતા વેચાણમાં 45%નો ઘટાડો નોંધાયો છે. દશેરાને ગાડી ખરીદવાનું સારું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો ગાડીઓ ખરીદતા હોય છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો દશેરાએ સુરત શહેરમાં 1500 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. જ્યારે 700 ફોર વ્હીલર વેચાઈ હોવાની સરકારી ચોપડે નોંધ થઈ છે. છેલ્લા ચાર મહિનાથી ઓટોસેક્ટર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. આ વર્ષની વાત કરવમાં આવે તો ટુ-વ્હીલરનું વેચાણ 70% જેટલું, જ્યારે મધ્ય બજેટની ફોરવ્હીલર ગાડીનું વેચાણ 60 ટકા અને લક્ઝરી કારનું વેચાણ ફક્ત 10 ટકા થયું છે.લક્ઝરી ગાડીની ડિલિવરી આજની તારીખમાં મળે તેમ ન હોવાથી મોટા ભાગના શોરૂમ બંધ જોવા મળ્યા હતા. આ પહેલાના વર્ષે દશેરાએ કારના શોરૂમ આગળ મંડપો બાંધવા પડતા હતા તેમજ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ જોવા મળતી હતી. આ વર્ષે શોરૂમ બહાર કોઈ લોકો નજરે નથી પડી રહ્યા.આ વર્ષે સુરતમાં માત્ર 900 ટુ-વ્હીલર અને 500 જેટલી મધ્યમ ગાડી વેચાઈ હોવાની વિગતો સામે આવી છે. તહેવારના દિવસ પણ વેચાણમાં ઘણો ઘટાડો થયો છે ત્યારે બાકીના દિવસોમાં શું હાલ થશે તે વિચારવું રહ્યું. જોકે, બીજી તરફ સામાન્ય દિવસોમાં વેચાણ સાવ ઘટી ગયું હતું ત્યારે દશેરાએ થોડુંઘણું પણ વેચાણ થયું હોવાથી ઓ ઓટોસેક્ટરને થોડી રાહત મળી છે.