દિલ્હીની મુલાકાત બાદ આનંદીબેન પંજાબના રાજ્યપાલ અને નીતિન પટેલ સીએમ બને તેવી શક્યતાઓ - સુત્રો
મંગળવાર, 17 મે 2016 (10:51 IST)
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સોમવારની દિલ્હી મુલાકાત બાદ પાટનગર ગાંધીનગરમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે. આનંદીબહેનને દિલ્હીના ઉપરાજ્યપાલ કે પછી પંજાબના રાજ્યપાલનો હોદ્દો ઓફર થયાની વહેતી થયેલી ચર્ચાઓ વચ્ચે આનંદીબહેન વડાપ્રધાન પાસે કરગરીને ઓગસ્ટ સુધીનુ એક્સટેન્શરન લઇ આવ્યાની પણ એક ચર્ચા હાલ ન્યૂઝ ચેનલો અને રાજકિય સુત્રોમાં ચાલી રહી છે. તો બીજીતરફ નવા મુખ્યપ્રધાન તરીકે સીનિયર નેતા નીતિન પટેલનું નામ ચર્ચાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે દિલ્હીમાં બે કલાક વધુ રોકાયા હોવાની ચર્ચાના પગલે ગાંધીનગરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. બહેનને દિલ્હીના ઉપરાજયપાલ કે પછી પંજાબના રાજયપાલનો હોદ્દો ઓફર થયાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.
દુષ્કાળ અંગેની મીટિંગ અપેક્ષા કરતા ઝડપથી સમાપ્ત થઈ જતા તેમને તાત્કાલિક ચાર્ટડ વિમાન મારફતે અમદાવાદ આવવાની કોશિશ કરી હતી. કોઈ કારણોસર તેમને બે કલાક રોકાઇ જવુ પડ્યુ હતું. તેના પગલે સચિવાલયમાં અવનવી અટકળો ચાલતી હતી. આનંદીબહેન પટેલ અમિત શાહને મળ્યા વિના ગુજરાત આવવા રવાના થયાની વિગત પણ પ્રકાશમાં આવી છે. તો બીજીતરફ એમ પણ ચર્ચાઇ રહ્યું છે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લઇને ભાજપ મુશ્કેલીમાં છે, એટલા માટે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તો અમિત શાહે નીતિન પટેલ સાથે અલગથી બેઠક કરતા અટકળો તેજ બની છે.