ગુજરાતની 6 કરોડની વસ્તીમાં ફક્ત ૩૦ મહિલા પોલીસ સ્ટેશન અને માત્ર ૫૦૫ મહિલા પોલીસ
શુક્રવાર, 10 એપ્રિલ 2015 (15:39 IST)
રાજયમાં મહિલાઓ માટે પોલીસમાં ૩૩ ટકા અનામત રાખવામાં આવતી હોય અને અલગ નારી ગૌરવ નીતિ જાહેર કરવામાં આવતી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે, સાડા છ કરોડ જેટલી ગુજરાતની વસતીમાં હાલ ફક્ત ૩૦ જેટલા મહિલા પોલીસ સ્ટેશન છે. આ ૩૦ મહિલા પોલીસ સ્ટેશનમાં ૧૭૨૩ મહિલા પોલીસનું સંખ્યાબળ મંજૂર થયું છે તેની સામે માત્ર ૫૦૫ જગ્યાઓ ભરાયેલી છે. ગૃહ વિભાગ દ્વારા ગમે તેટલા દાવા કરવામાં આવે પરંતુ તે કાગળ પરના જ હોય તેમ ૧૨૧૮ જેટલી મહિલા પોલીસ સ્ટેશનની ખાલી જગ્યાઓ ભરી શકાઇ નથી. રાજયમાં મહિલાઓની વસતી ૩ કરોડ જેટલી છે ત્યારે કુલ ૫૦૫ મહિલા પોલીસ ફાળવવામાં આવી છે. મહિલાઓ-બાળકીઓના ગુનામાં નિરંતર વધારો થઇ રહ્યો છે ત્યારે આ સ્થિતિ છે.
વર્ષ ૨૦૧૪ના જુન માસમાં પોલીસ દળમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની નેમ રાજય સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. વધુ મહિલાઓ પોલીસ દળમાં આવે તે માટે ફિઝિકલ પેરામીટર્સ પણ દ્યટાડી દેવામાં આવ્યા હતા પરંતુ આજે ૯ મહિના પછી પણ મહિલા પોલીસની ભરતી માટે કોઇ મોટા પ્રયાસ કરવામાં આવ્યા નથી. સરકાર દ્વારા મહિલા હેલ્પ લાઇનો શરૂ કરીને સંતોષ માની લેવામાં આવે છે પરંતુ મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસમાં આવે તે માટે જેટલા ઉત્સાહથી ગરીબ કલ્યાણ મેળા યોજાય છે તેવી રીતે મહિલાઓની ભરતી માટે ડ્રાઇવ ચલાવવામાં આવતી નથી.
છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ સામેના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. બાળકીઓ પરના અત્યાચારો અને દુષ્કર્મના બનાવો વધ્યા છે આ સંજોગોમાં મહિલા પોલીસની સંખ્યા વધે તે માટે રાજય સરકાર ઉદાસીન હોય તેવું વલણ છે. ગૃહ વિભાગના સત્તાવાર આંકડા મુજબ ડિસેમ્બર-૨૦૧૪ની સ્થિતિએ રાજયમાં ૩૦ મહિલા પોલીસ સ્ટેશન આવેલા છે. જેમાં ૧૭૨૩નું મહેકમ મંજૂર કરાયેલું છે. જેની સામે ૫૦૫ જગ્યા ભરાયેલી છે અને ૧૨૧૮ જગ્યા ખાલી છે. રાજયમાં મહિલાઓની ૩ કરોડ જેટલી વસતી સામે ૫૦૫ મહિલા પોલીસ છે.
સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી નારી ગૌરવ નીતિ જાહેર થઇ રહી છે. વિધાનસભામાં ગૃહ વિભાગ દ્વારા અનેક દાવા કરાય છે. પોલીસ દળને અત્યાધુનિક બનાવવાના નામે પણ કરોડો રૂપિયાનો કથિત ખર્ચ થઇ રહ્યો છે. રાજયની સાડા છ કરોડની વસતીમાં ૩૦ જેટલા મહિલા પોલીસ સ્ટેશન પણ મોટાભાગે શહેરોમાં છે. મહિલા પોલીસ સ્ટેશનોમાં અપૂરતો સ્ટાફ હોવાથી જે સ્ટાફ છે તેઓ પણ વધુ પડતા કામકાજથી ત્રસ્ત છે. બાકીની ખાલી જગ્યાઓ પર કાગડા ઉડી રહ્યા છે. મહિલા સિવાયના પોલીસ સ્ટેશનોમાં પણ મહિલા કોન્સ્ટેબલોનું પ્રમાણ હંમેશા જરૂરિયાત કરતા અપૂરતું હોય છે. આ સંજોગોમાં ગૃહ વિભાગ મહિલાઓ માટે કેટલો પ્રતિબધ્ધ છે તેનું ચિત્ર ઉજાગર થઇ રહ્યું છે.
મુખ્ય પોલીસ સ્ટેશનમાં પણ મહિલાઓની સંખ્યા ઓછી છે. જેના કારણે અમદાવાદ જેવા શહેર વિસ્તારમાં પણ જો મહિલાઓ સંબંધિત કોઇ મોટો ગુનો કે રેડ પડે અને વધુ મહિલા સ્ટાફની જરૂર પડે તો એક પોલીસ સ્ટેશને બીજા પાસે ઉછીનો મહિલા સ્ટાફ લેવો પડે છે. દ્યણીવાર કોઇ પ્રતિષ્ઠિત મહિલાની ધરપકડ કરવાની હોય કે તેનું સંમેલન હોય તો પણ મહિલા પીએસઆઇ એક પોલીસ સ્ટેશનમાં ન હોય તો અન્ય સ્ટેશનમાંથી બોલાવીને કામગીરી ચલાવવી પડે છે.