આવતીકાલથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં. તમામ બસ સુરત શહેરની બહાર વાલક પાટીયાથી ઉપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. જેને લઇ સુરત શહેરના જુદા જુદા છેવાડે રહેતા મુસાફરી કરવા જતા 10 લાખથી વધુ નાગરિકોને બસ સુધી પહોંચવા 10થી 20 કિમી ફરી ભારે હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે. સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશન દ્વારા આજથી બે દિવસ પહેલા 21 તારીખથી શહેરમાં એક પણ બસ પ્રવેશ કરશે નહીં તે પ્રકારનો મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને શહેરના ખાનગી બસ ઓપરેટરો મક્કમ રીતે વળગી રહ્યા છે. આવતીકાલથી સુરતમાં એક પણ બસ શહેરની અંદર પ્રવેશ કરશે નહીં અને શહેરમાં બસ ખાલી પણ થશે નહીં. અંદાજે 450થી વધુ બસો સુરત શહેર હદ વિસ્તારની બહાર વાલક પાટીયા પાસેથી જ ભરાશે. અને વહેલી સવારે મુસાફરોને ઉતારીને ખાલી પણ ત્યાં જ કરશે. લક્ઝરી બસ ઓપરેટર એસોસિએશનના આ પ્રકારના નિર્ણયથી સુરતથી બહાર ખાનગી બસનો ઉપયોગ કરનાર મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે.વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા થોડા દિવસ પહેલા હેવી વ્હિકલ અને ખાનગી બસ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને વરાછામાં ફરી રહી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ટ્રાફિક ડીસીપીને લેખિતમાં કરવામાં આવી હતી. ધારાસભ્યે ડીસીપીને લખેલા પત્રમાં જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં ફરતી બસોને કારણે ખૂબ જ ખૂબ જ મોટી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે અને તેના કારણે શહેરની જનતાને હાલાકી થઈ રહી છે તેવા આરોપ લગાવ્યા હતા.