અહી મ્યુઝિક થેરપી દ્વારા કરવામાં આવે છે ઉપચાર, દર્દીઓને રોબોટ દ્વારા પહોંચાડવામાં આવે છે ભોજન અને દવા
શનિવાર, 30 મે 2020 (12:51 IST)
સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ તમામ દર્દીઓની સારવારની જવાબદારી જેમના શિરે છે એવા તબીબો અને આરોગ્યકર્મીઓ યોદ્ધાની માફક લડી રહ્યા છે. આરોગ્યકર્મીઓની આ લડાઈ થકી જ સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરીનો રેટ લગભગ 69.8 ટકા જેટલો છે. જેનો યશ સુરત જિલ્લા વહીવટીતંત્ર તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ શહેરના સફાઈકર્મીઓને જાય છે. જેઓ પોતાના પરિવારની પરવા કર્યા વિના દિવસરાત પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે.
એવું નથી કે, કોરોનાથી સંક્રમિત થનાર દરેક વ્યક્તિમાં તેનાં લક્ષણો દેખાય જ. અનેક દર્દીઓ એવા પણ છે, જેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ હોવા છતાં કોઇ પણ પ્રકારનાં લક્ષણો જણાતા નથી. આવા દર્દીઓને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સમરસ હોસ્ટેલમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે. આ દર્દીઓને જયાં સુધી સાજા ન થાય ત્યાં સુધી ખાવાપીવા સહિત સ્વાસ્થ્યની તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે. આ સેન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 496 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 442 દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.
આ સેન્ટર વિશે વિગતો આપતા નોડલ ઓફિસર ડો. નૈમેષ શાહએ જણાવ્યું હતું કે, 18 ડોકટર, 41 નર્સ, ઉપરાંત વોર્ડ બોય અને 37 સફાઈ કર્મચારી સહિત કુલ 106 કોરોના વોરિયર્સ દિવસરાત પોતાની ફરજ બજાવે છે. માર્ચ મહિનામાં સમરસ હોસ્ટેલનો સરકારી કોરન્ટાઈન સેન્ટર તરીકે ઉપયોગ કરવાથી શરૂઆત કરાઈ હતી. ત્યાર બાદ તા.૨૩મી એપ્રિલથી જે દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય, પરંતુ કોઈ લક્ષણો જણાતા ન હોય, તેમને અહીં સારવાર આપવાની શરૂ કરાઈ. આ પ્રકારે અત્યાર સુધીમાં અહીં 496 દર્દી સારવાર લઈ ચૂકયા છે, જેમાંથી 442 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોનાના દર્દીનું મનોબળ મજબૂત કરવા માટે તેમની માનસિક ક્ષમતા વધારવાના ઉપાયો કરવામાં આવે છે અને જરૂર જણાય તો મનોચિકિત્સક સાથે વાર્તાલાપ કરીને કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. દર્દીઓનું મન પ્રફુલ્લિત રહે તે માટે મોટિવેશનલ સ્પીચ તેમજ સવાર-સાંજ આધ્યાત્મિક સંગીત પણ વગાડવામાં આવે છે. આના માટે દરેક ફલોર પર મ્યુઝિક સિસ્ટમ પણ છે. દર્દીઓને નિયમિત યોગાભ્યાસ પણ કરાવવામાં આવે છે. જ્યારે વાંચનરૂચિ ધરાવતા દર્દીઓ માટે ખાસ નાનકડું પુસ્તકાલય બનાવાયું છે.
ખાસ કરીને, દર્દીઓ તથા ડોકટરો માટે તમામ ભોજન એક રસોડામાં બનાવવામાં આવે છે જે ભોજન દર્દીઓને આપવામાં આવે છે તે જ ભોજન ડોકટરો પણ જમે છે. ભોજનમાં ખાસ કરીને પ્રોટીનયુકત પૌષ્ટિક ખોરાક તૈયાર કરવામાં આવે છે. ખાસ ધ્યાનકર્ષક બાબત તો એ છે કે, તમામ દર્દીઓને ભોજન, દવા પહોચાડવા માટે રોબોટ મશીનનો ઉપયોગ કરીને દર્દીના રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. ડોકટરો દ્વારા દિવસમાં ત્રણ વાર દર્દીઓનું ટેમ્પ્રેચર, બી.પી તથા ઓકસીજનનું પ્રમાણ ચેક કરવામાં આવે છે.
અહીં સારવાર લઈ ચૂકેલા દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે પણ પ્રેરિત કરાયા છે, જેમાંથી 95 ટકા દર્દીઓએ રક્તદાન માટેની તૈયારી દર્શાવી છે. સુરત મહાનગરપાલિકા હસ્તકના આ કોરોના કેર સેન્ટરમાં આર.એમ.ઓ. ડો. પીયૂષ વસાવા, ડો. કલ્પેશ નાકરાણી તથા અન્ય તબીબો તથા આરોગ્યકર્મીઓ દ્વારા દર્દીઓને તમામ સવલતો આપીને તેમજ મનમાં ભયમુકત વાતાવરણનું નિર્માણ કરી તેમને ઝડપથી સ્વસ્થ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.