કોંગ્રેસમાં વકરતો જૂથવાદઃ મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારામારી
બુધવાર, 14 ઑગસ્ટ 2019 (10:55 IST)
ગુજરાત કોંગ્રેસમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારીની ઘટના સામે આવી છે. મહત્વની વાત એ છે કે, ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓની હાજરીમાં બે સિનીયર નેતાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં કોંગ્રેસના મોવડીમંડળ અને તમામ કોંગ્રેસી નેતાઓની બેઠક ચાલી રહી હતી, તે સમયે રાધનપુર બેઠકને લઈ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ અને રઘુ દેસાઈ વચ્ચે બોલાચાલી થઈ અને બંને નેતાઓ વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિણમી. મહત્વની વાત એ છે કે, આ ઘટના સર્જાઈ તે સમયે કોંગ્રેસના મોટા નેતાઓ સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી જેવા નેતાઓ પણ હાજર હતા. આ મુદ્દે લાલજી દેસાઈએ જણાવ્યું કે, ગાંધીજીની 150મી અને રાજીવ ગાંધીની 75મી વર્ષગાંઠ ઉજવવાને લઈ કોંગ્રેસની મીટિંગ ચાલી રહી હતી. જેમાં ગુજરાત મોવડીમંડળના તમામ સિનીયર નેતા હાજર હતી. તે સમયે રધુ દેસાઈ રાધનપુરની બેઠકને લઈ મને ગાળો આપવા લાગ્યા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મારી પર ચપ્પલ લઈને હુમલો કરવા લાગ્યા. મારી બહેનને પણ ગાળો દીધી. અને મારી નાખવાની ધમકી પણ આપી. કોંગ્રેસના સંગઠનમાં આવા હલકી માનસિકતાવાળા નેતાઓ પણ છે. કોંગ્રેસ પક્ષ તેમની સામે જરૂર પગલા લેશે તેવી મને આશા છે. જો પક્ષ પગલા નહી ભરે તો હું પક્ષની સામે ઉપવાસ આંદોલન કરવા મજબૂર બનીશ.આ બાજુ રઘુ દેસાઈએ જણાવ્યું કે, બેઠક સમયે મે કોઈ મારામારી કરી જ નથી. હું તો વેપારી માણસ છુ, હુ મારામારી કરુ જ નહી. તે ખોટુ બોલે છે. તેમને ચાણસમાની બેઠક પર ટિકિટ મળી ન હતી, અને મને મળી હતી. તેમને તેનું પેટમાં દુખે છે. તેમને પક્ષના કોઈ મોટા નેતાએ રાધનપુર મોકલ્યા ન હતા, તો પણ તેઓ રાધનપુર ગયા હતા, અને ભાજપને ફાયદો થાય તેવું કામ કરી રહ્યા હતા. જેને લઈ બોલાચાલી થઈ હતી, મે કોઈ હુમલો નથી કર્યો કે ધમકી પણ નથી આપી.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ વચ્ચે અત્યારસુધી જૂથબંધીની વાતો સામે આવતી હતી, પરંતુ આજે જે રીતે બધા સિનિયર નેતાઓની હાજરીમાં કોંગ્રેસના જ બે નેતાઓ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ તે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ માટે ખુબ શરમજનક ઘટના કહી શકાય.