ગુજરાતના મુંદ્રા બંદર નજીક એક ખાનગી જેટી પર એક મોટું જહાજ અડધું પલટી ગયું. આ અંગે અફરા તરફરી સર્જાઈ હતી. આ જહાજ પર વિદેશી કન્ટેનર ભરેલા હતા. પલટી જવાને કારણે જહાજને નુકસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના મુંદ્રા પોર્ટ ડીપી વર્લ્ડ MICT ટર્મિનલ પર બની હતી. જ્યારે આ ઘટના બની ત્યારે કન્ટેનરનું લોડિંગ-અનલોડિંગ કરવામાં આવી રહ્યું હતું. જહાજ પલટી જતાં અનેક કન્ટેનર દરિયામાં પડી ગયા હતા.
તમને જણાવી દઈએ કે આ પહેલા ઝારખંડના સાહિબગંજ અને બિહારના કટિહાર જિલ્લાના મણિહારી ઘાટ વચ્ચે ગંગા નદીમાં માલવાહક જહાજનું સંતુલન બગડી ગયું હતું, જેના કારણે મોટી દુર્ઘટના થઈ હતી. આ ઘટનામાં 10 લોકો ગુમ થયા હતા. જહાજ પર પથ્થર ભરેલી 14 ટ્રકો હતી.
આ સાથે ટ્રકોના ડ્રાઈવરો અને કુલીઓ પણ સવાર હતા. આ જહાજ સાહિબગંજથી બિહારના કટિહાર જિલ્લાના મણિહારી ઘાટ તરફ જઈ રહ્યું હતું. જહાજ ગંગામાં બેકાબૂ બની ગયું. જેના કારણે જહાજમાંથી પાંચ ટ્રક ગંગામાં પડી હતી, જ્યારે નવ ટ્રક જહાજ પર જ પલટી ગઈ હતી.
આ મામલામાં સાહિબગંજના ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવે જણાવ્યું હતું કે સાહિબગંજથી કાર્ગો જહાજ બિહારના મણિહારી માટે રવાના થયું હતું. આ દરમિયાન ગંગા નદીમાં જહાજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જે બાદ તેને ઠીક કરવામાં સમય લાગ્યો હતો.