ગુજરાત વિધાનસભામાં હોબાળો, મહિલા ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર કાઢી મુક્યા

ગુરુવાર, 9 માર્ચ 2017 (14:28 IST)
ગુજરાત વિધાનસભામાં આજે કૉંગ્રેસના મહિલા ધારાસભ્ય કામિનીબા રાઠોડે આશાવર્કરો અને મહિલા દિને મહિલાઓને જેલમાં પૂરી રાખ્યાનો મુદ્દો ઉઠાવતા ગૃહમાં હોબાળો મચી ગયો હતો. કામિનીબા રાઠોડ હોબાળા વચ્ચે વેલમાં ધસી જતાં મહિલા સાર્જન્ટોએ તેમને ટીંગાટોળી કરીને બહાર લઇ ગયા હતા. આ ઘટનાને પગલે ગૃહ અડધો કલાક માટે મુલત્વી રાખવામાં આવ્યું હતું.

વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાન કોંગ્રેસના મહિલા ધારાસભ્ય કામિનીબા રાઠોડે આશાવર્કર બહેનોના પ્રશ્નના સંદર્ભમાં મહિલા દિવસે નલિયાકાંડની ફરિયાદી મહિલા અને કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે થયેલા વર્તનનો ઉલ્લેખ કરતાં જ ભાજપના સભ્યોએ ઊભા થઇને ખલેલ પહોંચાડવાની કોશિષ કરી હતી તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. અધ્યક્ષે શાસક અને વિપક્ષનો તમાશો નિહાળ્યો હતો. વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કર્યા બાદની ચર્ચામાં ગૃહમાં કૉંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરે ખેડૂતોના મુદ્દે ચર્ચામાં હોબાળો કર્યો હતો અને છૂટા હાથની મારા-મારીના દ્રશ્યો સર્જાયા હતા. તે દિવસે ગૃહને આખા દિવસ માટે મુલત્વી રાખવાની ફરજ પડી હતી.

વેબદુનિયા પર વાંચો