રાજકોટમાં પૂર્વ પ્રેમીનાં ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો હતો. આ અંગે યુવતીના પિતાએ પોતાની વેદના ઠાલવતા મીડિયાને જણાવ્યું હતું કે,સુનિલ રોજ મારી દીકરીને હેરાન કરતો હતો. ફોન કરીને ધમકાવતો હતી પણ મારી દીકરી મને કહી ન શકી. સુનિલથી કંટાળી અગાઉ પણ એક પરિવારે ઘર છોડ્યું હતું. એ સમયે સુનિલ અને તેના મિત્રો પરિવારને મારવા આવ્યાં હતાં
દીકરી જો તકલીફમાં હોય તો પિતાને જાણ કરે અને સમયે પિતાએ પણ દીકરીની કાળજી લેવી જોઈએ. માતા-પિતાએ દીકરીનું ધ્યાન રાખવું જરૂરી છે.મેં ધ્યાન ન રાખ્યું'ને મારી વ્હાલસોયીએ જીવ ગુમાવ્યો છે. હવે મને ન્યાય આપો'. આ ઘટનાને પગલે પરિવારનો પણ શોકમાં ગરકાવ થયો હતો.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના ઇકબાલભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા દિપાલીના માતા-પિતા પ્રસંગમાં ગયા હતા જેથી પરિણીત બહેન અને તેનો ભાઈ ઘરે હતા. ત્યારે દિપાલીએ રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો. દિપાલી બે ભાઈ બે બહેનમાં બીજા નંબરની બહેન હતી. તેણે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે.આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા પૂર્વ પ્રેમીએ ત્રાસ આપી માર માર્યો હતો અને માતા પિતાને પણ ગાળો આપતા આપઘાત કરી લીધાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ લખ્યું હતું કે, 'મને આપઘાત માટે મજબૂર કરનાર સુનિલ કુકડીયા છે. તેણે મારા માતા-પિતાને ગાળો આપી હતી અને મારી સાથે મારપીટ પણ કરી છે. સોરી પપ્પા'. આરોપી યુવકના એક દિવસ પહેલા જ લગ્ન થયા હતા. મૃતકનો મોબાઈલ કબજે લઈ મૃતકના પિતાની ફરિયાદ પરથી યુવક સામે આપઘાતની ફરજ હેઠળ ગુન્હો નોંધાયો હતો