10 કર્મચારીઓને કોરોના થતા 31 પોસ્ટઓફિસ 15 દિવસ બંધ
મંગળવાર, 23 જૂન 2020 (14:18 IST)
અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે પોસ્ટઓફીસના દસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા તકેદારીના ભાગરૂપે એક કલાર્ક અને પોસ્ટ માસ્તર ધરાવતી 31 પોસ્ટઓફીસની કામગીરી પંદર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જે પોસ્ટઓફિસમાં કામ બંધ રહેશે તેને નજીકની મોટી પોસ્ટઓફીસ સાથે પંદર દિવસ માટે મર્જ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મળતી માહીતી પ્રમાણે,શહેરના આશ્રમ રોડ પર આવેલી ડીવીઝનલ પોસ્ટ ઓફીસમાં છ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે.ઉપરાંત રેલવે મેઈલ સર્વિસમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે. મણિનગરમાં પણ એક કર્મચારી પોઝિટિવ થતા તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં માત્ર એક કલાર્ક અને પોસ્ટ માસ્તર ધરાવતી 31 નાની પોસ્ટઓફીસને પંદર દિવસ બંધ કરાઈ છે.આ તમામ પોસ્ટઓફીસમાં તમામ પ્રકારનું કામકાજ બંધ રહેશે.જો કે આ પોસ્ટઓફીસોની નજીક આવેલી મોટી પોસ્ટઓફીસ સાથે નાની પોસ્ટઓફીસને મર્જ કરાઈ છે.જેથી આવશ્યક એવા કામકાજ કરી શકાય. જે પોસ્ટઓફીસ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે એમાં અસારવા ચકલા,અસારવા દક્ષિણ, બાપુનગર, ભૈરવનાથ રોડ, કેન્ટોન્મેન્ટ, સીટીએમ ચાર રસ્તા, દરીયાપુર, ઘીકાંટા રોડ,દીલ્હી દરવાજા, આઈઆઈએમ રોડની પોસ્ટઓફીસનો સમાવેશ થાય છે. ઉપરાંત જમાલપુર,જનતાનગર,જોધપુર ચાર રસ્તા, ખોડિયારનગર, ખોખરા મહેમદાવાદ, કુબેરનગર બંગલા એરીયા, માધુપુરા માર્કેટ,મેઘાણીનગર,મોટેરા, નરોડા, નિકોલ, નોબલનગર, ઓએનજીસી, રાયખડ,થલતેજ રોડ અને સુખરામપુરા પોસ્ટઓફીસનો સમાવેશ થાય છે.