ઔદ્યોગિક અકસ્માતો નિવારવા‘ડીશ’સલામતિ મહિનો મનાવશે

શનિવાર, 15 ઑગસ્ટ 2020 (10:06 IST)
ઔદ્યોગિક અકસ્માતો નિવારવા અને કામદારોની સલામતી માટેના પ્રયાસના ભાગ તરીકે ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)એક માસ લાંબી સલામતી ઝુંબેશ હાથ ધરવા સજજ બની છે.
 
આ સલામતિ મહિનો 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવશે. આ ગાળા દરમ્યાન ઓદ્યોગિક એકમો મોક ડ્રીલનાં આયોજન કરશે અને કામદારોની સલામતિ અંગે ઝુંબેશ હાથ ધરશે. લેબર ડિરેક્ટોરેટના અધિકારીઓ પણ આ સલામતી મહિનાના કાર્યક્રમોમાં જોડાશે.
 
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે “જો સલામતિ માટેનાં ફરજીયાત પગલાંને અનુસરવામાં આવે તો મોટા ભાગના અકસ્માતો નિવારી શકાય તેમ છે. સેફટી મન્થ મનાવવાનો ઉદ્દેશ સલામતિના નિયમોનુ પાલન કરીને રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો ઘટાડવાનો છે. સલામતિનાં ધોરણોને અનુસરવાને કારણે તથા ઉદ્યોગો અને કામદારોમાં બહેતર જાગૃતિને પરિણામે છેલ્લાં થોડાં વર્ષમાં ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પરંતુ અમે આ સંખ્યાને વધુ ઓછી કરવા માગીએ છીએ અને આ કારણથી જ અમે આઝુંબેશ હાથ ધરી છે.”ડીશ શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કામ કરી રહ્યું છે.
 
ડીશના ડિરેકટર પી એમ શાહ જણાવે છે કે “આ ઝુંબેશ દરમ્યાન ફેસ માસ્કનો ઉપયોગ, નિયમિત સેનેટાઈઝેશન, સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરે જેવા કોવિડ-19ના માર્ગરેખાઓ મુજબ નિયમોનું પણ પાલન કરવામાં આવશે. અને એમાં ચૂક કરતાં એકમો સામે પ્રવર્તમાન માર્ગરેખાઓ મુજબ નિયમ પાલન નહી કરવા બદલ દંડાત્મક કાર્યવાહિ કરવામાં આવશે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર