ગુજરાતમાં ફરી વળ્યું ઠંડીનું મોજું, માઉન્ટ આબૂમાં તાપમાન માઇનસ 1 ડિગ્રી, અનેક જગ્યાએ બરફ જામ્યો

શનિવાર, 28 ડિસેમ્બર 2019 (11:22 IST)
ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી હવાની સ્થિતિ બદલાતા પારો 4 ડિગ્રી નીચે ગયો છે. જેથી હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં એક જ રાતમાં અનેક સ્થળોએ બરફ જામી ગયો છે. માઉન્ટ આબૂમાં શીતલહેરથી બચવા માટે લોકો ગરમ કપડાંમાં પણ ઠુંઠવાઇ રહ્યા છે. આગામી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું લઘુત્તમ તાપમાન છેલ્લાં 4 દિવસમાં 3 ડિગ્રી ગગડ્યું હતું. નલિયા બાદ ડીસા 7.6 ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે.
 
હવામાન વિભાગે સૂચના આપી છે કે આગામી 3 દિવસમાં પારો 3 ડિગ્રી નીચે જશે, જેથી ઠંડી વધશે. રાજ્યમાં ઠંડીનો દૌર હજુ યથાવત રહેશે. નવા વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે 30 ડિસેમ્બરથી પશ્વિમ હિમાલય અને કાશ્મીરને પ્રભાવિત કરશે. જેથી 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ગુજરાત સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જેથી આગામી થોડા દિવસો સુધી ગુજરાતમાં ઠંડી વધશે. 
 
આ સિઝનમાં પહેલીવાર માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 1 ડીગ્રી પહોંચ્યો છે. માઉન્ટ આબુના ખુલ્લા સ્થળો,સોલાર પ્લેટો, નક્કી ઝીલમાં હોડીયોમાં અને વાહનો પર બરફની આછી ચાદર પથરાઈ ગઇ છે. માઉન્ટ આબુમાં આવેલા સહેલાણીઓ ઠંડીની મજા લઈ રહ્યા છે .
 
ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે, અને ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુકાશે. તેમજ 24 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાજ્યમાં ઠંડીના ચમકારાના કારણે લોકોનું જીનજીવન પ્રભાવિત થયું છે. તેવામાં આવનારા દિવસોમાં હાડ થીજવનાર ઠંડીનો સામનો કરવા રાજ્યની જનતાને કરવો પડી શકે છે. ન્યૂવર્ષ સાથે ઠંડીનો જોર વધવાની શક્યતાઓ પણ જોવાઇ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર